‘તેઓ મેદાન છોડીને ભાગી ગયા…’ વિપક્ષના વોકઆઉટ પર બોલ્યા PM

નવી દિલ્હીઃ 18મી લોકસભાના પહેલા સંસદ સત્રમાં ગઈ કાલે PM મોદીએ લોકસભામાં મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. આજે તેમણે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના ભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપી રહ્યા છે. તેમણે રાજ્યસભાથી વિપક્ષના વોકઆઉટ પર કહ્યું હતું કે જે લોકો જૂઠ ફેલાવી રહ્યા છે તો સત્ય સાંભળી નથી શકતા, મેદાન છોડીને ભાગી ગયા છે. તેમના નિશાન પર કોંગ્રસના રાહુલ ગાંધી હતા.

વિપક્ષના વોકઆઉટ પર સભાપતિ ધનખડેએ ટીકા કરતાં કહ્યું હતું કે એનાથી દેશના 140 કરોડ લોકોની લાગણીને ઠેસ પહોંચી છે. આ અમારું અને તમારું અપમાન નથી, પણ સંસદનું અપમાન છે. બંધારણનું આ અપમાન, આટલસી મોટી મજાક, હું આશા કરું છું કે તેઓ આત્મમંથન કરશે.

છેલ્લાં 10 વર્ષ તો માત્ર એપેટાઇઝર, મેન કોર્સ હવે શરૂ થશેઃ PM

રાજ્યસભામાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ત્રીજી વાર તક મળવી એ ઐતિહાસિક છે. સાંસદોએ સંસદની ગરિમા વધારી છે. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું હતું કે 60 વર્ષ પછી એવું થયું છે કે 10 વર્ષ સત્તામાં રહ્યા પછી પણ સરકારે વાપસી કરી છે. આ ચૂંટણી 10 વર્ષની સિદ્ધિઓ પર મહોર લગાવે છે આ કોઈ સામાન્ય વાત નથી. વારવાર ઢોલ પીટવામાં આવે છે કે એક તૃતીયાંશ સરકાર- એનાથી મોટું સત્યા કયું હોઈ શકે કે અમારાં 10 વર્ષ થયાં છે અને 20 વર્ષ બાકી છે. .  છેલ્લાં 10 વર્ષ તો માત્ર એપેટાઇઝર હતાં, મેન કોર્સ હવે શરૂ થશે, એમ PM મોદીએ કહ્યું હતું.

કેટલાક લોકો જાણીબૂજીને જનતા દ્વારા આપેલા નિર્ણયને પણ ઝાંખો પાડી રહ્યા છે. કેટલાક લોકો જનતાના જનાદેશને સંમજી નથી શક્યા અને જેમને સમજમાં આવ્યું છે એ લોકો હંગામો કરી રહ્યા છે. હું છેલ્લા બે દિવસથી જોઈ રહ્યો છું કે પરાજય પણ સ્વીકાર થઈ રહ્યો છે અને દબાયેલા મને વિજય પણ સ્વીકાર થઈ રહ્યો છે.

આવનારા પાંચ વર્ષ ગરીબી સામેની લડાઈમાં નિર્ણાયક વર્ષ છે. ગરીબી સામેની લડાઈમાં આ દેશનો વિજય થશે, હું 10 વર્ષના અનુભવના આધારે ખૂબ જ આત્મવિશ્વાસ સાથે કહી રહ્યો છું. જ્યારે દેશ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે, ત્યારે તેની અસર જીવનના દરેક ક્ષેત્ર પર પડશે. વિસ્તરણ અને વિકાસની ઘણી તકો ઉપલબ્ધ થવાની છે, એમ તેમણે કહ્યું હતું.