અયોધ્યા: અયોધ્યામાં ચોરોએ રામ લલ્લા મંદિર તરફ જતા રામ પથ અને ભક્તિ પથ પર લગાવેલી 50 લાખ રૂપિયાથી વધુની કિંમતની 3800 બામ્બુ લાઇટ અને 36 ગોબો પ્રોજેક્ટર લાઇટની ચોરી કરી છે. ચોરીની આ ઘટનાઓ અયોધ્યાના સૌથી મહત્વપૂર્ણ અને સુરક્ષિત સ્થાન પર બની હતી, જ્યાં પોલીસને આ ચોરીની ગંધ સુધ્ધાં નથી આવી.
અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવેલા કોન્ટ્રેક્ટ હેઠળ યશ એન્ટરપ્રાઈઝ અને ક્રિષ્ના ઓટોમોબાઈલ કંપનીઓ દ્વારા રામપથનાં વૃક્ષો પર 6400 બામ્બુ લાઇટ અને ભક્તિપથ પર 96 ગોબો પ્રોજેક્ટર લાઇટો લગાવવામાં આવી હતી. આ કંપનીના પ્રતિનિધિ શેખર શર્માના જણાવ્યા અનુસાર રામપથ અને ભક્તિપથ પર લગાવવામાં આવેલી 3800 બામ્બુ લાઇટ અને 36 ‘ગોબો પ્રોજેક્ટર લાઇટ’ ચોરાઈ ગઈ છે. તેમના દ્વારા રામજન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવવામાં આવ્યો છે.પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ આ કંપનીને લાઇટ ચોરીની જાણ મે મહિનામાં થઈ હતી, પરંતુ ચોરીના બે મહિના પછી 9 ઓગસ્ટે કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
અયોધ્યામાં 12.97 કિલોમીટર લાંબો રામ પથ રેકોર્ડ 10 મહિનામાં બનાવવામાં આવ્યો છે. રામ પથ અયોધ્યાના અંદરના ભાગમાં નવા બનેલા ધર્મપથ, ભક્તિ પથ અને રામજન્મભૂમિ પથમાં જોડાઈને કોઈ પણ વ્યક્તિ રામલલાના દર્શન કરવા જઈ શકે છે. અયોધ્યાના અંદરના ભાગમાં નવનિર્મિત રામ પથ, ધરમ પથ, ભક્તિ પથ અને રામ જન્મભૂમિ પથને રવેશ લાઇટિંગ, મ્યુરલ પેઇન્ટિંગ, વિન્ટેજ વિક્ટોરિયન સોલાર ટેલ લેમ્પ્સ, કલાત્મક રીતે ડિઝાઇન કરાયેલ આર્ક લેમ્પ્સ, યોગ્ય પેવમેન્ટ, ઇનલેન્ડ ડ્રેનેજ અને કોંક્રીટ આઉટ સાથે સુધારવામાં આવ્યા છે. તેમ જ કેરેજ વે, ગ્રીનરી સક્ષમ ડિવાઈડરથી સજાવવામાં આવ્યા છે.