નવી દિલ્હીઃ મોદી સરકારના બીજા કાર્યકાળનું એક વર્ષ આજે પૂર્ણ થઈ ચૂક્યું છે. આવામાં સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં પાકિસ્તાનને આડે હાથ લીધું હતું. રાજનાથે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) પર વાત કરતાં કહ્યું હતુ કે એ ભારતનો હિસ્સો છે અને સંસદે પણ આ પ્રસ્તાવને પાસ કર્યો છે. જ્યારે રાજનાથ સિંહને કાર્યક્રમમાં પૂછવામાં આવ્યું કે PoK ફરી ભારતમાં સામેલ થશે? એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે કોઈ પણ પ્રકારની સંભાવનાને નકારી શકાય નહીં.
હવામાન વિભાગે PoKની મોસમ બતાવવું સામેલ કર્યું
ભારતીય હવામાન વિભાગે હાલમાં PoKનું હવામાન જણાવવાનું પણ શરૂ કર્યું છે, જેના પછી પાકિસ્તાનમાં ભયનો માહોલ છે. આ સિવાય પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન પણ અનેક વાર કહી ચૂક્યા છે કે મોદી સરકાર PoK કબજો કરે એવી શક્યતા છે.
પાકિસ્તાન સરકાનું અસ્તિત્વ જ ભારતનો વિરોધ કરવામાં છે
પાકિસ્તાન પર નિશાન સાધતાં તેમણે કહ્યું હતું કે ભારતનો વિરોધ કરતા રહેવાને કારણે પાકિસ્તાનની સરકારનું અસ્તિત્વ રહેલું છે, પરંતુ પાકિસ્તાન ગોળીબાર કરશે તો એને કડક જવાબ મળશે, પછી એ સર્જિકલ સ્ટ્રાઇક હોય અથવા પછી એક સ્ટ્રાઇક હોય. આનાથી પાકિસ્તાનમાં કેટલો ડર છે, એ તો એ જ જણાવી શકે.
ભારતીય મુસલમાનોને ભડકાવતું પાકિસ્તાન
રાજનાથ સિંહે કહ્યું હતું કે પાકિસ્તાન સમયાંતરે ભારતીય મુસલમાનોને ભડકાવવાની કોશિશ કરતો રહે છે, પણ અમારા મુસલમાન અમારા પરિવારના સભ્ય છે અને દરેક જણ ભારતીય છે. સંરક્ષણપ્રધાને કહ્યું હતું કે આજે બોર્ડર પર સતત સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે. ત્યાં રહેતા લોકોને દરેક પ્રકારની મદદ કરવામાં આવી રહી છે,પણ કોઈ દેશની સીમા પર અમે અતિક્રમણ નથી કરી રહ્યા.
