NIAએ અલ કાયદાના નવ આતંકવાદીઓની ધરપકડ કરી

નવી દિલ્હીઃ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ આજે સવારે પાડેલા દરોડામાં મોટી કાર્યવાહી કરી છે. NIAએ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ અને કેરળના એર્નાકુલમમાં કેટલાંક સ્થળે દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમ્યાન પાકિસ્તાની આતંકવાદી સંગઠન અલ કાયદાથી જોડાયેલા નવ આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ દરોડામાં NIAએ પશ્ચિમ બંગાળથી છ અને કેરળથી ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી છે.

આ આતંકવાદીઓ પાસેથી ડિજિટલ ઉપકરણ, દસ્તાવેજ , જેહાદી સાહિત્ય, ધારદાર હથિયાર, દેશી હથિયાર અને ઘરેમાં વિસ્ફોટક ઉપકરણ બનાવવા સંબંધિત કાગળિયાં સહિત ભારે માત્રામાં આપત્તિજનક સામગ્રી મળી આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર NIAને પશ્ચિમ બંગાળ અને કેરળ સહિત દેશના વિવિધ ભાગોમાં અલ કાયદાના આંતરરાજ્ય મોડ્યુલ વિશે માલૂમ પડ્યું હતું. આ ગ્રુપ નિર્દોષ લોકોના જીવ લેવાના ઉદ્દેશથી ભારતમાં મહત્ત્વનાં સ્થાનો પર આતંકવાદી હુમલા કરવા માટે ષડયંત્ર રચી રહ્યા હતા.

NIAએ જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસ મુજબ આ લોકોએ સોશિયલ મિડિયા પર પાકિસ્તાન સ્થિત અલ કાયદા આતંકવાદીઓ દ્વારા કટ્ટરપંથી બનાવવામાં આવ્યા હતા. એ સાથે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર સહિત કેટલાંક સ્થાનો પર હુમલા કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ ઉદ્દેશ માટે મોડ્યુલ સક્રિય રૂપે નાણાં એકત્ર કરવામાં લાગેલાં હતાં અને હથિયાર તથા ગોળાબારુદ ખરીદવા માટેની ગેંગના કુછ સભ્યો દિલ્હી જવાની યોજના બનાવી રહ્યા હતા.

NIA આ આતંકવાદીઓની પોલીસ કસ્ટડી લેવા અને વધુ તપાસ કરવા માટે એને કેરળ અને પશ્ચિમ બંગાળમાં કોર્ટ સમક્ષ રજૂ કરશે.

NIA દ્વારા ધરપકડ કરવામાં આવેલા આતંકવાદીઓનાં નામ મુર્શીદ હસન, યાકુલ વિશ્વાસ, મોર્શફ હુસૈન, નજમૂસ શાકિબ, અબુ સુફિયાન, મેનુલ મંડલ, લિયુ યિન અહમદ, અલ મામૂન કમાલ અને અતિતૂર રહમાન છે.