સરકાર સંસદના ચોમાસુ સત્રમાં UCC બિલ રજૂ કરે એવી શક્યતા

નવી દિલ્હીઃ સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે અને 11 ઓગસ્ટ સુધી ચાલશે, એમ કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી. તેમણે ટ્વીટ કરતાં લખ્યું હતું કે સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી ચાલશે. તેમણે લખ્યું હતું કે આ સેશનમાં કુલ 17 બેઠકો થશે. હું બધી પાર્ટીઓને ચોમાસુ સત્રમાં રચનાત્મક યોગદાન આપવાની અરજ કરું છું. ચોમાસા સત્રનો પ્રારંભ જૂની સંસદ ભવનમાં થશે અને ત્યાર બાદ નવા સંસદ ભવનમાં બેઠક થવાની શક્યતા છે, એમ સૂત્રોએ કહ્યું હતું.

આ વખતના ચોમાસુ સત્રમાં ઘણો હંગામો થાવાની આશંકા છે. દિલ્હીની કેજરીવાલ સરકાર કેન્દ્રના વટહુકમનો ભારે વિરોધ કરે એવી શક્યતા છે. કેજરીવાલ સરકાર કેન્દ્રના વટહુકમ સામે સુપ્રીમ કોર્ટમાં ધા નાખી છે. ત્યાર બાદ યુનિફોર્મ સિવિલ કોડ (UCC) મુદ્દે ભારે હંગામો થવાની વકી છે, કેમ કે UCC મામલે અનેક પાર્ટીઓ વિરોધ કરી ચૂકી છે.

UCCને લઈને સાંસદોનો મત જાણવા માટે સંસદીય સ્થાયી સમિતિની ત્રણ જુલાઈએ બેઠક બોલાવવામાં આવી છે. આ મુદ્દે કાનૂની મામલાના વિભાગ અને અન્ય વિભાગના પ્રતિનિધિઓને પણ બોલાવવામાં આવી છે.

UCC મુદ્દે વડા પ્રધાને શું કહ્યું હતું?

વડા પ્રધાન મોદીએ ભોપાલમાં કાર્યકર્તાઓને સંબોધિત કરતાં કહ્યું હતું કે દેશના મુસલમાનોએ એ સમજવાનું રહેશે કે કયા રાજકીય પક્ષો તેમને ભડકાવી રહ્યા છે. એક ઘરમાં એક સભ્ય માટે એક કાયદો અને બીજા માટે બીજો કાયદો ના હોઈ શકે. આવી બેવડી વ્યવસ્થાથી દેશ કેવી રીતે ચાલી શકે? જો આ લોકો મુસલમાનોના હિતેચ્છુ હોત તો મુસલમાનો પાછળ ના રહેત. સુપ્રીમ કોર્ટે વારંવાર કહ્યું છે કે UCC લાવો, પણ મત બેન્કના ભૂખ્યા લોકો આવું કરવા નથી ઇચ્છતા.