મોંઘવારીથી સામાન્ય જનતાને મળી મોટી રાહત

નવી દિલ્હીઃ નવા વર્ષના અને મહિનાના પહેલા દિવસે સામાન્ય લોકોને મોટી રાહત મળી છે. કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો થયો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને પાંચ કિલોવાળા FTL (Free Trade LPG) સિલિન્ડરની કિંમતમાં કાપ મૂક્યો છે. આ પહેલાં પહેલી માર્ચે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતો વધારી હતી.

પહેલી ફેબ્રુઆરી, 2024એ 19 કિલોવાળા સિલિન્ડરની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ હવે સિલિન્ડરની કિંમતો સસ્તી થઈ છે. IOCLની વેબસાઇટ મુજબ 19 કિલોવાળા ગેસ સિલિન્ડરની નવી કિંમત રૂ. 1764.50, કોલકાતામાં રૂ. 1879, મુંબઈમાં રૂ. 1717.50 અને ચેન્નઈમાં રૂ. 1930 છે. દિલ્હીમાં ગેસ સિલિન્ડરની કિંમત રૂ. 30.50 કોલકાતામાં રૂ. 32, મુંબઈમાં રૂ. 31.50 અને ચેન્નઈમાં રૂ. 30.50નો ઘટાડો કરવામાં આવ્યો છે.

જોકે સ્થાનિક સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યા. ઘરમાં ઉપયોગમાં લેવામાં આવતા ગેસ સિલિન્ડરની કિંમતો સ્થિર બનેલી છે. દિલ્હીમાં 14.2 કિલોગ્રામ રાંધણગેસ સિલિન્ડરની કિંમત રૂ. 803, કોલકાતામાં રૂ. 829, મુંબઈમાં રૂ. 802.50 અને ચેન્નઈમાં રૂ. 818.50ની છે. નવ માર્ચે ઘરેલુ ગેસ સિલન્ડિરની કિંમતમાં રૂ. 100નો ઘટાડો કરવામાં આવ્યો હતો.છેલ્લા ત્રણ મહિનાથી સતત કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતો વધી રહી હતી, જેથી લોકો પર મોંઘવારીનો માર વધી રહ્યો હતો, પણ હવે ચૂંટણીના મહિનામાં ઓઇલ કંપનીઓએ સામાન્ય જનતાને કિંમતો ઘટાડીને મોટી ભેટ આપી છે. આ પહેલાં મોદી સરકારે સામાન્ય જનતાને મહિલા દિવસે 14 કિલોગ્રામવાળા ગેસ સિલિન્ડરની કિંમતો ઘટાડીને મોટી રાહત આપી હતી.