નવી દિલ્હીઃ દિલ્હીના અધિકારીઓની ટ્રાન્સફર અને પોસ્ટિંગથી જોડાયેલા કેન્દ્રના વટહુકમનું બિલ લોકસભામાં આગામી સપ્તાહે રજૂ થવાની શક્યતા છે. કેન્દ્રીય કાયદાપ્રધાન અર્જુન રામ મેઘવાલે શુક્રવારે આગામી સપ્તાહે સંસદમાં થનારા કામકાજની માહિતી આપતાં આ વટહુકમ વિશે જણાવ્યું હતું.
જ્યારે લોકસભામાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ક્ષેત્ર સરકાર (સંશોધન) બિલને રજૂ કરવામાં આવશે, ત્યારે વિવાદાસ્પદ વટહુકમના વિરોધમાં પ્રસ્તાવ લાવવા માટે વિપક્ષના કેટલાય નેતાઓની નોટિસ પર પણ વિચાર કરવામાં આવશે. લોકસભા સચિવાલયે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી, પાર્ટીના સભ્ય ડીન કુરિયાકોસ, તૃણમૂલ કોંગ્રેસના સૌગત રાય, DMKના એ રાજા અને RSPના કેએન પ્રેમચંદ્રન સહિત અનેક વિપક્ષના નેતાઓએ નોટિસ સ્વીકારી લીધી છે. કેબિનેટે મંગળવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ક્ષેત્ર સરકાર (સંશોધન) બિલને મંજૂરી આપી દીધી છે. એ 19 મેએ કેન્દ્ર દ્વારા લાવવામાં આવેલા વટહુકમની જગ્યા લેવા માટે રજૂ કરવામાં આવશે.
મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળ આમ આદમી પાર્ટીએ વટહુકમનો આકરો વિરોધ કર્યો છે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષ આ વટહુકમની વિરુદ્ધ છે. આ બિલની મંજૂરી માટે સત્તારૂઢ NDAને રાજ્યસભામાં BJD, YSR કોંગ્રેસ પાર્ટી, અને સ્વતંત્ર સભ્યોના ટેકા માટે નિર્ભર રહેવું પડશે. લોકસભામાં ભાજપ પાસે બહુમત છે, જોકે રાજ્યસભામાં NDA અને INDIAની સ્થિતિ બરાબરીની સ્થિતિમાં છે. રાજ્યસભામાં માયાવતીની BSP, એચડી દેવેગૌડાની JDS અને ચંદ્રબાબુ નાયડુની TDPના એક-એક સાંસદ છે. આ સાંસદ કઈ તરફ મતદાન કરશે, એના પર સૌની નજર છે.