જેકપોટઃ કચરો વીણતી 11 મહિલાઓને રૂ. 10 કરોડની લાગી લોટરી

મલ્લપુરમઃ સ્થાનિક નગરપાલિકાની પ્લાસ્ટિક કચરો વીણતી સંસ્થામાં કામ કરતી 11 મહિલાઓ કામદારોએ સપનામાં પણ વિચાર્યું હોય કે જે લોટરી ટિકિટને તેમણે પ્રત્યેકે રૂ. 25 આપીને ખરીદી છે, એ તેમને રૂ. 10 કરોડનો જેકપોટ અપાવી દેશે. આ 11 મહિલાઓએ કુલ રૂ. 250 આપીને લોટરીની ટિકિટ ખરીદી હતી. જ્યારે તેમને લોટરી લાગવાના સમાચાર આવ્યા, ત્યારે પણ તે પરપ્પનંગડી નગરપાલિકાના ગોદામમાં ઘરોમાંથી પ્લાસ્ટિકનો કચરો અલગ કરી રહી હતી.

કેરળ લોટરી વિભાગે ઘોષણા કરી હતી કે મહિલાઓ દ્વારા નાણાં એકઠા કર્યા બાદ ખરીદેલી ટિકિટ પર તેમને મોન્સુન બંપરના રૂપે રૂ. 10 કરોડનું ઇનામ લાગ્યું છે. આ મહિલાઓ લોટરીની ટિકિટ એકલી ખરીદે એવી કોઈ સક્ષમ નહોતી, જેથી તેમણે ભેગા મળીને લોટરીની ટિકિટ ખરીદી હતી.

લોટરીવિજેતાઓને મળવા અને તેમને શુભેચ્છાઓ આપવા મોટી સંખ્યામાં લોકો નગર નિગમ ગોદામના પ્રાંગણમાં ઊમટી પડ્યા હતા.

લોટરીવિજેતાઓમાંથી એક રાધાએ કહ્યું હતું કે જ્યારે અમને માલૂમ પડ્યું કે અમને જેકપોટ લાગ્યો છે, ત્યારે અમારી ખુશીના કોઈ ઠેકાણાં નહોતાં. અમે બધી જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહી છે અને આ પૈસા કેટલીક હદ સુધી અમારી સમસ્યાઓને હલ કરવામાં મદદ કરશે.

નગરપાલિકામાં હરિત કર્મ સેનાનાં અધ્યક્ષ શીજાએ કહ્યું હતું કે ભાગ્ય એ આ વખતે યોગ્ય લોકો પર કૃપા કરી છે. તેમણે કહ્યું હતું કે આ બધી ઇનામવિજેતા મહિલાઓ બહુ મહેનતી છે અને પરિવારનું પાલનપોષણ કરી રહી છે.