નવી દિલ્હીઃ મોદી કેબિનેટે કેન્દ્રીય કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થાંમાં ચાર ટકાનો વધારો કર્યા પછી વધુ એક દિવાળીની ભેટ આપી છે. હાલમાં સરકારે કર્મચારીઓનું DA 34 ટકાથી વધારીને 38 ટકા કરી દીધું છે. કેન્દ્ર જમ્મુ-કાશ્મીર, આંદામાન નિકોબાર દ્વીપ, લદ્દાખ અને પૂર્વોત્તરની યાત્રા માટે કર્મચારીઓને મળતી એર ટ્રાવેલ છૂટ (LTC)ની સુવિધા બે વર્ષ માટે વધારી દીધી છે.
સરકારના નવા નિર્ણય પછી બધા કેન્દ્રીય કર્મચારીઓ 25-9-2024 સુધી સુવિધાનો લાભ ઉઠાવી શકશે. મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે એર ટ્રાવેલ છૂટ (LTC) યોજનાને 26 સપ્ટેમ્બર, 2022થી 25 સપ્ટેમ્બર, 2024 સુધીના બે વર્ષની અવધિ માટે વધારવામાં આવી છે. આ સુવિધા હેઠળ કેન્દ્ર સરકારના પાત્ર કર્મચારીઓને LTC પર જવા દરમ્યાન સવેતન એર યાત્રા પર આવવા-જવાની ટિકિટના પૈસા પણ મળે છે.
આ આદેશમાં કહેવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ જમ્મુ-કાશ્મીર, પૂર્વોત્તર, લદ્દાખ અને આંદામાન-નિકોબાર જવા માટે LTCની સુવિધાનો લાભ ઉઠાવી શકે છે. આટલું જ નહીં, જે સરકારી કર્મચારીઓ એર ટ્રાવેલના પાત્ર નથી, તેમને પણ આ રાજ્યોની હવાઈ યાત્રા કરવાની મંજૂરી આપવામાં આવી છે. તેઓ કોઈ પણ એરલાઇન્સ દ્વારા ઇકોનોમી ક્લાસમાં હેડ ઓફિસથી સીધા જમ્મુ-કાશ્મીર, આંદામાન-નિકોબાર દ્વીપ અને પૂર્વોત્તરમાં યાત્રા પર જઈ શકે છે.
જોકે કર્મચારીઓને ચેતવણી પણ આપવામાં આવી છે કે LTCના કોઈ પણ દુરુપયોગની ગંભીરતાથી લેવામાં આવશે અને એના પર કર્મચારીઓ નિયમો હેઠળ ઉચિત કાર્યવાહી કરવામાં આવશે. વર્ષ 2020માં પણ કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓને મળનારી આ સુવિધાની અવધિને બે વર્ષ માટે વધારી હતી.