વૈશ્વિક મંદીની અસર ભારત પર પણ પડશેઃIMF

નવી દિલ્હીઃ ચાલુ નાણાકીય વર્ષ માટે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે (IMFએ) ભારતના GDP ગ્રોથના અંદાજ ઘટાડીને 6.8 ટકા કર્યો છે. આ પહેલાં IMFએ ભારતના GDP ગ્રોથ રેટ 7.4 ટકા રહેવાનો અંદાજ દર્શાવ્યો હતો. IMF દ્વારા ભારતના GDP ગ્રોથ વિશે દર્શાવેલો અંદાજ રિઝર્વ બેન્કના અંદાજ કરતાં પણ નબળો છે. મધ્ય બેન્કે GDP ગ્રોથનો અંદાજ સાત ટકા માંડ્યો છે. વળી, વર્ષ 2024માં ભારતનો GDP ગ્રોથ વધુ નબળો પડીને 6.1 ટકા રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વૈશ્વિક વિકાસ દર વર્ષ 2022માં 3.2 ટકા રહ્યો હતો, એ વર્ષ 2023માં 2.7 ટકા રહેવાનો અંદાજ IMFએ વ્યક્ત કર્યો છે.

ગયા સપ્તાહે વર્લ્ડ બેન્કે ભારતનો GDP ગ્રોથ રેટનો અંદાજ એક ટકા ઘટાડીને 6.5 ટકા કર્યો હતો. જૂન, 2022માં વર્લ્ડ બેન્કે ભારતનો GDP ગ્રોથ રેટ ચાલુ નાણાકીય વર્ષ માટે 7.5 ટકા રાખ્યો હતો, જે ઓક્ટોબરમાં 6.5 ટકા કર્યો હતો. આ પહેલાં જુલીમાં IMFએ ભારતનો GDP ગ્રોથમાં અગાઉના અંદાજ કરતાં 0.6 ટકા કાપ મૂક્યો હતો. બીજા ત્રિમાસિક ગાળામાં નબળા ડેટાને કારણે ભારતના GDP ગ્રોથના અંદાજમાં કાપ મૂકવામાં આવ્યો હતો.

વૈશ્વિક હાલતોને જોતાં IMFએ એના પૂર્વાનુમાનમાં ઘટાડો કર્યો હતો, પણ એણે અહેવાલમાં ઉલ્લેખ કર્યો હતો કે વિશ્વના તમામ દેશોની વચ્ચે ભારત સૌથી સારો દેખાવ કરશે અને આવનારા સમયમાં ઝડપથી વધશે. મંદીનો માર વિશ્વના મોટા-મોટા દેશો પર પડશે, પણ ભારત મજબૂત સ્થિતિમાં રહેશે. આર્થિક વૃદ્ધિદર મામલે ભારત ચીન કરતાં ઘણો આગળ રહેશે, એમ IMFના એક અધિકારીએ જણાવ્યું હતું.