નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સામાન્ય ચૂંટણી પહેલાં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધને અનિશ્ચિત કાળ માટે વધારી દીધો છે. સરકારે ડુંગળીની નિકાસ પર ડિસેમ્બર, 2023માં પ્રતિબંધ લગાવ્યો હતો, જે 31 માર્ચે ખતમ થતો હતો. વેપારીઓનો અંદાજ હતો કે એ પ્રતિબંધને દૂર કરવામાં આવશે, કેમ કે નિકાસ પ્રતિબંધ લાગુ થયા પછી સ્થાનિક બજારોમાં ડુંગળીની કિંમતો લગભગ અડધી થઈ હતી અને આ સીઝનનો પાકનો સપ્લાય શરૂ થઈ ગયો છે.
કેન્દ્ર સરકાર નથી ઇચ્છતી કે સામાન્ય ચૂંટણી દરમ્યાન ડુંગળીની કિંમતો વધે. સરકારના આ નિર્ણયથી કેટલાંક વિદેશી બજારોમાં કિંમતો આકાશને આંબે એવી શક્યતા છે.
મહારાષ્ટ્રનાં કેટલાંક જથ્થાબંધ બજારોમાં ડુંગળીની કિંમતો ડિસેમ્બરમાં રૂ. 4500 પ્રતિ 100 કિલોગ્રામ હતી, જે ઘટીને હવે રૂ. 1200 પ્રતિ કિલોગ્રામ પર આવી હતી, પરંતુ સરકારે આદેશ જારી કરી દીધો છે કે આગામી આદેશ સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ જારી રહેશે. આ વખતે આ આદેશ ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેને ટ્રેડ (DGFT)એ જારી કર્યો છે. DGFT વેપાર મંત્રાલય હેઠળ આવે છે અને આયાત-નિકાસથી જોડાયેલા મુદ્દાઓને જુએ છે.
બંગલાદેશ, મલેશિયા, નેપાળ અને UAE જેવા દેશો ડુંગળી પુરવઠા મામલે ભારતથી આયાત પર નિર્ભર છે. એમાંથી કેટલાય દેશો ભારતના ડુંગળી પરના પ્રતિબંધ પછી ડુંગળીની ઊંચી કિંમતોથી ઝઝૂમી રહ્યા છે.
નાણાકીય વર્ષ 2023-24માં ડુંગળીના ઉત્પાદનમાં ઘટાડો રહેવાની શક્યતા છે. કૃષિ ઉત્પાદન 2023-24માં આશરે 254.73 લાખ ટન રહેવાની અપેક્ષા છે. ગયા વર્ષે એ આશરે 302.08 લાખ ટન હતું.