નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના ઉપક્રમે દેશભરમાં ગયા જાન્યુઆરીથી શરૂ કરાયેલી કોરોનાવાઈરસ-વિરોધી રસીકરણ ઝુંબેશમાં આજથી ત્રીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે. આ તબક્કામાં 45 વર્ષ કે તેથી વધુની વયનાં લોકોને રસી આપવામાં આવશે. પહેલા તબક્કામાં આરોગ્યકર્મી અને કોરોના રોગચાળાનો ફેલાવો રોકવા માટેના જંગમાં આગળ પડતા રહેલા કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. ત્યારબાદ બીજા તબક્કામાં વરિષ્ઠ નાગરિકો (60 કે તેથી વધુની વયના લોકો) તેમજ જેમને કેન્સર જેવી ભયંકર બીમારી (કોમોર્બિડિટીઝ) હોય એવા 45-વર્ષ કે તેથી વધુની વયનાં લોકોને આવરી લેવામાં આવ્યા હતા.
રસીકરણ કેન્દ્રો સવારે 9થી રાતના 9 વાગ્યા સુધી કાર્યરત રહેશે. માત્ર પોતાનું નામ રજિસ્ટર કરાવનાર લોકોને જ રસી આપવામાં આવશે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટીતંત્રોને આદેશ આપ્યો છે કે બે જ અઠવાડિયામાં 45 વર્ષની ઉપરના તમામ લોકોને રસીકરણ ઝુંબેશમાં આવરી લેવાના રહેશે. રસી લેવા માટે સરકારના Co-Win પોર્ટલ મારફત નામ નોંધાવી શકાય છે. એ માટે આ લિન્ક છેઃ http://www.cowin.gov.in. AarogyaSetu એપ મારફત પણ રસી લેવા માટે નામ નોંધાવી શકાય છે. એક જ મોબાઈલ ફોન નંબર પરથી વધુમાં વધુ ચાર વ્યક્તિ રસીકરણ માટે નામ નોંધાવી શકે છે. સરકારી હોસ્પિટલો, કેન્દ્રો અને ક્લિનિક્સ ખાતે અપાતી કોરોના રસી મફત હોય છે જ્યારે ખાનગી હોસ્પિટલો-કેન્દ્રોમાં પ્રતિ ડોઝ રૂ.250 ચાર્જ કરાય છે. સરકારે કોવિશીલ્ડ અને કોવેક્સીન, એમ બે કોરોના-વિરોધી રસીને માન્યતા આપી છે. પહેલો ડોઝ લીધા બાદ રસી લેનારને કામચલાઉ સર્ટિફિકેટ આપવામાં આવશે. બીજો ડોઝ લીધા બાદ લાભાર્થીને એક લિન્ક આપવામાં આવશે તેની પર ક્લિક કરીને રસીકરણનું ડિજિટલ સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકાશે. તે સર્ટિફિકેટ ડિજિ-લોકર એપમાં સાચવી પણ શકાશે. કોવેક્સિન રસીનો બીજો ડોઝ 28 દિવસ બાદ લેવાનો રહેશે જ્યારે કોવિશીલ્ડનો બીજો ડોઝ આઠ સપ્તાહ સુધીમાં લઈ શકાશે.