નવી દિલ્હીઃ બિહારમાં ચૂંટણીને આવવાને હજી ઘણી વાર છે, પણ ચૂંટણીનાં દુંદુભિ અત્યારથી જ વાગવા માંડ્યાં છે. રાજકીય પક્ષોએ અત્યારથી જ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિલ્હી ચૂંટણીમાં જવલંત સફળતા મેળવ્યા બાદ કેજરીવાલે પણ બિહારમાં ચૂંટણી લડવાના સંકેતો આપ્યા છે તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ચાલી રહેલા હુનર હાટમાં બિહારના લિટ્ટી-ચોખા ખાઈને બિહાર ચૂંટણીના શ્રીગણેશ કર્યા હતા. આ સાથે બિહારમાં લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ ચિરાગ પાસવાન ‘બિહાર ફર્સ્ટ- બિહારી ફર્સ્ટ યાત્રાનો પ્રારંભ કર્યો છે તો બીજી બાજુ વિપક્ષના નેતા તેજસ્વી યાદવે દિલની વાત કહેતા બેરોજગારી ભગાવો યાત્રા કાઢી રહ્યા છે. આમ બિહારમાં ધીમે-ધીમે ચૂંટણીનો રંગ જામી રહ્યો છે.
તેજસ્વી યાદવની દિલની વાત ‘બેરોજગારી ભગાવો’
આરજેડીના પ્રમુખ તેજસ્વી યાદવ રવિવારથી સમગ્ર બિહારમાં ‘બેરોજગારી ભગાવો’ યાત્રાએ જવાના છે. આ યાત્રા કાઢતાં પહેલાં તેજસ્વી સોશિયલ મિડિયા પર સક્રિય થઈ ગયા છે. આ સંબંધે તેમણે ફેસબુક પર દિલની વાત શેર કરી હતી. તેમણે પ્રદેશવાસીઓને સંબોધતાં લખ્યું હતું કે અમારું બિહાર જે ક્યારેક શિક્ષણનું કેન્દ્રબિંદુ હતું, એ આજે બદતર થઈ ગયું છે. બિહાર બેરોજગારીનું કેન્દ્ર બિન્દુ બની ગયું છે. 45 વર્ષો પછી દેશમાં બેરોજગારી સૌથી વધુ છે. તેમણે લખ્યું હતું કે બિહારમાં બેરોજગારીનો દર 11.47 ટકા છે. બિહારના યુવા પ્રતિભાસંપન્ન હોવા છતાં બીજાં રાજ્યોમાં મામૂલી મહેનતાણાએ નાના-મોટા કામ કરવા પર વિવશ છે. બિહારમાંથી પ્રતિભાશાળી યુવાઓ બિહાર છોડી રહ્યા છે, ત્યારે મુખ્ય પ્રધાન નીતીશકુમાર શાંતિથી વાંસણી વગાડી રહ્યા છે.
બિહારના દરેક યુવાને રોજગારની તલાશ
તેજસ્વીએ ફેસબુક પર લખ્યું હતું કે નીતીશ સરકારે 15 વર્ષોમાં કેટલી નોકરીઓનું સર્જન કર્યું? બિહારના કેટલા કરોડ યુવા બેરોજગાર છે? આરજેડી પ્રમુખે લખ્યું હતું કે બિહારમાં દરેક યુવાનોને રોજગારની તલાશ છે. જેથી સન્માનથી જીવી શકે. દેશમાં સૌથી યુવા વસતિવાળા પ્રદેશના યુવક-યુવતીઓને રોજગાર નથી આપી શકતી તો એને સત્તામાં રહેવાનો કોઈ નૈતિક હક નથી.
તેમણે સમસ્ત જનતાને આહવાન કરતાં કહ્યું હતું કે આગળ આવો, યાત્રામાં જોડાવો અને બિહારને બદલવા માટે સોગંધ ખાઓ.