નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશના રાજકારણમાં હાલ T20 મેચ જેવું સસ્પેન્સ છે. રાજ્યમાં બહુ ઝડપથી રાજકીય ઘટનાક્રમ બદલાઈ રહ્યો છે. મધ્ય પ્રદેશ વિધાનસભા સ્પીકરને રાજીનામું સોંપનારા કમસે કમ આઠથી નવ બળવાખોર કોંગ્રેસી વિધાનસભ્ય જ્યોતિરાદિત્ય સિંધિયાથી નારાજ હોવાના અહેવાલ છે. સિંધિયા ભાજપમાં સામેલ થયા છે. જેથી તેઓ તેમનાથી નારાજ છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ વિધાનસભ્યો ના તો રાજીનામું આપવા ઇચ્છતા હતા કે ના તો ફરી ચૂંટણી લડવા ઇચ્છતા હતા. બેંગલુરુમાં હાજર કોંગ્રેસ વિધાનસભ્યોએ એક મેસેન્જરના માધ્યમથી પક્ષ સાથે સંપર્ક કર્યો છે. પક્ષે વિશ્વસનીય સંકટમોચન ડીકે શિવકુમારને વિધાનસભ્યો પરત લાવવાની જવાબદારી સોંપી છે, એમ સૂત્રો કહે છે.
સિંધિયાને રાજ્યસભાની સીટ ના મળે ત્યાં સુધી
કોંગ્રેસે દાવો કર્યો હતો કે વિધાનસભ્યોને બેંગલુરુમાં ત્યાં સુધી એકસાથ રાખવા માટે કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી સિંધિયાને રાજ્યસભાની ચૂંટણી માટે સીટ ના મળે. શિવકુમારે મિડિયાને કહ્યું હતું કે વિધાનસભ્યો ટૂંક સમયમાં પરત ફરશે અને સંકટ લાંબો સમય નહીં રહે.
કમલનાથના માસ્ટરસ્ટ્રોકની રાહ
મધ્ય પ્રદેશ સરકારમાં પ્રધાન પી.સી. શર્માએ કહ્યું હતું કે હવે કમલનાથ ક્યારે માસ્ટરસ્ટ્રોક લગાવે છે, એ જોવાનું રહે છે. કોંગ્રેસ સોદાબાજી ના થાય એટલે વિધાનસભ્યોને જયપુર લઈ ગઈ છે. જ્યારે કોંગ્રેસે એ પણ દાવો કર્યો છે કે ભાજપના ડઝનથી પણ વધુ વિધાનસભ્યો તેના સંપર્કમાં છે.
આંકડાનું ગણિત ભાજપના પક્ષમાં
હાલમાં તો આંકડાનું ગણિત ભાજપના પક્ષમાં છે. ભાજપ પાસે હાલ 107 વિધાનસભ્યો છે અને વિધાનસભામાં કુલ સંખ્યા 228ની છે. જેમાં બહુમતનો આંકડો 115 છે, પણ 20 વિધાનસભ્યોએ રાજીનામાં આપતાં વિધાનસભાની સીટ 208 થઈ છે અને ભાજપને 104 વિધાનસભ્યોની જરૂર છે. જ્યારે કોંગ્રેસે ભાજપને હરાવવા માટે કમસે કમ 15 વિધાનસભ્યોની જરૂર છે.
કોંગ્રેસ એક બાજુ પોતાના વિધાનસભ્યોને પરત લાવવાની તજવીજ કરી રહી છે અને બીજી બાજુ ભાજપના કેટલાક વિધાનસભ્યોને પણ પાલો બદલવા લાલચ આપી રહી છે.