રિસોર્ટ ટુરીઝમઃ કોંગ્રેસના ધારાસભ્યો જયપુર પહોંચ્યા

જયપુરઃ મધ્ય પ્રદેશમાં ધારાસભ્યો ખેંચાવાની શક્યતાઓ વધી ગઈ છે. આ જ કારણે કોંગ્રેસના 80 જેટલા ધારાસભ્યોને જયપુર લાવવામાં આવ્યા છે. આ ધારાસભ્યો ભોપાલથી વિશેષ વિમાનમાં જયપુર એરપોર્ટ પર પહોંચ્યા.

કોંગ્રેસના ધારાસભ્યોને લેવા માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત પોતે એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેમના સિવાય મહેશ જોષી, ઉપ પ્રમુખ મહેન્દ્ર ચોધરી, પરિવહન મંત્રી પ્રતાપ સિંહ અને અન્ય નેતાઓ પણ એરપોર્ટ પહોંચ્યા હતા. પૂર્વ સાંસદ રહેલા સિંધિયાના નજીકના ગણાતા 22 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે. આનાથી કમલનાથ સરકાર પર સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે. કોંગ્રેસ ધારાસભ્યોને લેવા પહોંચેલા સીએમ ગહેલોતે ભાજપ પર આરોપો લગાવ્યા હતા.

રાજસ્થાનના મુખ્યમંત્રીએ સિંધિયા પર પ્રહાર કરતા કહ્યું કે, આ પ્રકારના લોકોને પહેલા જ પાર્ટી છોડી દેવી જોઈતી હતી. કોંગ્રેસે 18 વર્ષ સુઘી ઘણું આપ્યું છે. સમય આવવા પર આ લોકોએ બગાવત કરી છે. લોકો તેમને પાઠ ભણાવશે. ભાજપ પર આરોપ લગાવતા ગહેલોતે કહ્યું કે, દરેક લોકો જોઈ શકે છે કે કેવી રીતે લોકતંત્રની હત્યા થઈ છે. ધારાસભ્યો જયપુર આવ્યા છે, તમે જોઈ શકો છો કે ત્યાં હોર્સ ટ્રેડિંગના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આવું ક્યારેય જોવા મળ્યું નથી કે જેવું સત્તામાં બેસેલા લોકો કરી રહ્યા છે. આપણે એકજુટ રહીશું.