નવી દિલ્હીઃ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA)એ બેંગલુરુ એરપોર્ટ પર ઇન્ડિગોની બે ફ્લાઇટ્સની એકસાથે ઉડાનો (ટેકઓફ) માટે મંજૂરી આપવાને લીધે એર ટ્રાફિક કન્ટ્રોલ ઓફિસરના લાઇસન્સને ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરી દીધું હતું. કન્ટ્રોલરના આ નિર્ણયને કારણે આ બે વિમાન ઉડાન ભર્યાના તરત બાદ બહુ નજીક આવી ગયાં હતાં. ઇન્ડિગોની બે ફ્લાઇટ્સ 6E 455 ( બેંગલુરુથી કોલકાતા) અને 6E 246 (બેંગલુરુથી ભુવનેશ્વર) સાત જાન્યુઆરીએ સવારે નોર્થ રનવે અને દક્ષિણ રનવેથી એકસાથે ટેક્ઓફ ભર્યા પછી બંને વિમાનની બેંગલુરુ એરપોર્ટ પર હવામાં ટક્કર ટળી ગઈ હતી. આ ઘટનાને બ્રીચ ઓફ સેપરેશન કહેવામાં આવે છે.
ઇન્ડિગોની આ બે ફ્લાઇટને મંજૂરી મળ્યા પછી બંને વચ્ચેની ગંભીર ટક્કર થતાં સહેજમાં બચી ગઈ હતી, જે પછી DGCAએ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. આ બંને વિમાનને ઉત્તર અને દક્ષિણ રનવેથી એકસાથે ઉડાન ભરવા માટે મંજૂરી મળી હતી, પણ એપ્રોચ રડાર કન્ટ્રોલરે આ વિમાનોને અલગ કરવા માટે ડાયવર્ઝિંગ હેડિંગ આપી હતી. આ બંને વિમાન વચ્ચેનું અંતર માત્ર 100 ફૂટ અને 0.9 NM માત્ર રહી ગયું હતું. આ પૂરી ઘટનાને ગંભીર ઘટનામાં વર્ગીકૃત કરવામાં આવી છે અને એની તપાસ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બોર્ડ (AAIB)ને સોંપવામાં આવી છે.
નોર્થ ટાવર કન્ટ્રોલર- જે શિફ્ટ વોચ સુપરવાઇઝરી ઓફિસર પણ હતા, તેમને ત્રણ મહિનાના સમયગાળા માટે સસ્પેન્ડ કરવામાં આવે છે, એમ DGCAએ કહ્યું હતું.