નિર્ભયા કેસઃ કોર્ટે ક્યુરેટિવ પિટિશન ફગાવી, પણ ફાંસી ક્યારે?

નવી દિલ્હી: નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસના ચોથા દોષિત પવનની ક્યુરેટિવ પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. પવને પોતાની અરજીમાં કહ્યું હતું કે તે ઘટના સમયે સગીર હતો. આ મામલે તેની રિવ્યુ અરજી અગાઉ ફગાવી દેવાઈ હતી. 5 જજોની પેનલે સર્વસંમતિથી પવનની અરજી ફગાવી દીધી છે. જો કે હજી તેની પાસે રાષ્ટ્રપતિ પાસે દયા અરજી કરવાનો વિકલ્પ બચ્યો છે.

બંધ બારણે થયેલી સુનાવણી જસ્ટિસ એન વી રમન્ના, જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ રોહિંગ્ટન ફલી નરીમન, જસ્ટિસ આર ભાનુમતિ અને જસ્ટિસ અશોક ભૂષણ સવારે 10:25 વાગે અરજી પર સુનાવણી શરૂ કરી. મહત્વનું છે કે ક્યુરેટિવ પિટિશનની સુનાવણી બંધ બારણે થાય છે. આ મામલે અન્ય ત્રણ દોષિતોની ક્યુરેટિવ અરજી ફગાવવામાં આવેલી છે. એવું માનવામાં આવતું હતું કે આ અરજી પણ કોર્ટ ફગાવી દેશે.

પવનની ક્યુરેટિવ અરજી ફગાવવામાં આવ્યાં બાદ હજુ પણ તેની પાસે દયા અરજી દાખલ કરવાનો વિકલ્પ છે. આ અગાઉ અન્ય ત્રણ દોષિતોની ક્યુરેટિવ અને દયા અરજી ફગાવવામાં આવી છે.

મહત્વનું છે કે, પટિયાલા હાઉસ કોર્ટ ચારેય દોષિતોનું ત્રણવાર ડેથ વોરન્ટ જાહેર કરી ચૂકી છે. પરંતુ તેમના દ્વારા કાયદાકીય વિકલ્પનો ઉપયોગ કરાયો હોવાથી ફાંસી 2 વખત ટળી છે. હવે ફાંસીની નવી તારીખ 3 માર્ચ છે.