રફાલ મામલે કેન્દ્રને ક્લિન ચીટ: સુપ્રીમે રિવ્યુ પિટિશન ફગાવી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે રફાલ મામલે પુનર્વિચારણાની તમામ અરજીઓ ફગાવી દીધી છે. કેન્દ્ર સરકારને મોટી રાહત આપતા ચીફ જસ્ટિસની આગેવાની વાળી બેંચે સરકારને ક્લિન ચીટ આપી. બંધારણીય પીઠે કહ્યુ કે, મામાલાની અલગથી તપાસ કરવાની કોઈ જરૂરીયાત નથી. સુપ્રીમે કેન્દ્ર સરકારની દલીલોને તર્કસંગત અને પર્યાપ્ત ગણાવતા સ્વીકાર્યું કે, કેસના મેરિટને જોતા ફરીથી તપાસના આદેશ આપવાની જરૂરીયાત રહેતી નથી.

ઉલ્લેખનીય છે કે, ફ્રાન્સ પાસેથી 36 રફાલ જેટ ખરીદવામાં કથિત ભ્રષ્ટાચાર થયાના આરોપને લઈને પુનર્વિચારણાની કેટલીક અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ પહેલાં સુપ્રીમ કોર્ટે રફાલ સોદામાં કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર થયાની વાતને નકારી દીધી હતી. તો રફાલ સાથે જ સંકળાયેલા અન્ય એક મામલામાં સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની માફીનો સ્વીકાર કરી લીધો છે. રાહુલ ગાંધીએ ચૂંટણીપ્રચાર દરમિયાન સુપ્રીમ કોર્ટને ટાંકીને ‘ચોકીદાર ચોર હૈ’ના નારાનો ઉપયોગ કર્યો હતો.

રફાલ ડીલ મુદ્દે સુપ્રીમ કોર્ટે 14 ડિસેમ્બર, 2018ના રોજ પોતાના ચુકાદામાં કેન્દ્રની મોદી સરકારને ક્લીન ચીટ આપી હતી. જોકે આ નિર્ણયની ફરીથી સમીક્ષા કરવા માટે અદાલતમાં ઘણી બધી પીટીશન કરવામાં આવી હતી. 10 મે, 2019એ સુપ્રીમ કોર્ટે આ પિટિશન પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં પૂર્વ મંત્રી અરુણ શૌરી, યશવંત સિંહા, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ અને આમ આદમી પાર્ટીના સંસદ સભ્ય સંજય સિંહે ફ્રાન્સ પાસેથી 36 રફાલ ફાઈટર જેટની લેવડદેવડને પડકારતી અરજી કરી હતી.