મહારાષ્ટ્ર ડ્રામાઃ કેવી રીતે પવાર પૂરવાર થયા રાજનીતિના ચાણક્ય?

નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં જેમ જેમ સરકાર બનાવવાના દિવસો વીતતા ગયા અને ભાજપ શિવસેના વચ્ચે તણાવ ઘેરો બનતો જઈ રહ્યો હતો એ સમયે ભારતીય રાજનીતિના વર્તમાન ચાણક્ય શરદ પવાર સત્તાના આ ચક્રવ્યૂહને ભેદવા માટે રણનીતિ બનાવી રહ્યા હતા. શરદ પવાર આ સમગ્ર ઘટનાક્રમમાં સતત સોનિયા ગાંધીના સંપર્કમાં હતા. પવારે આ ચક્રવ્યૂહને ભેદવા માટે સોમવારે એટલે કે, 11 નવેમ્બરનો દિવસ પંસદ કર્યો. સોનિયા ગાંધી પણ તેમની રણનીતિ બનાવવામાં વ્યસ્ત હતો. તે સોમવારે સવારથી જ તેમની પાર્ટી નેતાઓ સાથે ચર્ચા વિચારણામાં લાગ્યા હતા.

શરુઆતમાં સોનિયા ગાંધી શિવસેનાને કોઈપણ કિંમતે સમર્થન આપવા માગતા હતા. કારણ હતું કોંગ્રેસની કેરળ લોબી, અહીંથી કોંગ્રેસના 15 સાંસદ આવે છે. એકે એન્ટોની અને વેણુગોપાલ કોંગ્રેસના શિવસેનાને સમર્થનના પક્ષમાં ન હતા. તેમનું કહેવું હતુ કે, કોંગ્રેસ કેવી રીતે કોઈ હિન્દુવાદી પાર્ટીને સમર્થન આપી શકે. માનવામાં આવી રહ્યુ છે કે, રાહુલા ગાંધી પણ શિવસેનાને અંદર કે બહારથી સમર્થન આપવાના પક્ષમાં ન હતા. પણ એ જ સમયે એટલે કે સોમવારે બપોરે મહારાષ્ટ્રના કોંગ્રેસ નેતા સુશીલ કુમાર શિંદે, પૃથ્વીરાજ ચૌહાણ, અને અશોક ચવ્હાણ સોનિયાને ગાંધીને મળવા પહોંચ્યા. આ ત્રણેય નેતા સોનિયા ગાંધીને એ વાતને લઈને સમજાવી રહ્યા હતા કે જો કોંગ્રેસ શિવસેનાને સમર્થન નહીં આપે તો પાર્ટી તુટી શકે છે. આ બધા વચ્ચે સાંજે 5 વાગ્યે શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરેએ સોનિયા ગાંધી સાથે ફોન પર વાત કરી અ સત્તાવાર રીતે કોંગ્રેસનું સમર્થન માગ્યુ. સોનિયા ગાંધીએ ઉદ્વવ ઠાકરેને કહ્યું કે, આ અંગે તે પછી જણાવશે. આના 1 કલાક પછી એટલે કે 6 વાગ્યે શરદ પવારે સોનિયા ગાંધી સાથે ફોન પર વાતચીત કરી અને કહ્યું કે, ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ન લે. પહેલા આપણે વાતચીત કરવી જોઈએ.

પેલી બાજુ મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેએ શરદ પવાર સાથે એક ફાઈવ સ્ટાર હોટલમાં મુલાકાત કરી. સાજે સાડા સાત વાગ્યે એનસીપી નેતા અજીત પવારનું નિવેદન આવ્યું કે અમે કોંગ્રેસના સમર્થનની ચીઠ્ઠીની રાહ જોઈ રહ્યા છીએ અને જ્યાં સુધી કોંગ્રેસની ચીઠ્ઠી નહીં આવે ત્યાં સુધી અમે રાહ જોશું. જો સમર્થનની ચીઠ્ઠી રાજ્યપાલને આપવાની હશે તો અમે સાથે આપીશું. લોકોને લાગ્યું કે, કોંગ્રેસ ચીઠ્ઠી આપવામાં વિલંબ કરી રહી છે પણ આ બધુ શરદ પવાર અને સોનિયા ગાંધી વચ્ચે અગાઉ જ નક્કી થઈ ગયું હતુ. આ શરદ પવારની વધુ એક ચાણક્ય નીતિ હતી.

આ તરફ શિવસેનાના સમર્થન વગરની ચીઠ્ઠી રાજ્યપાલ પાસે પહોંચી અને તેમને 24 કલાકની અંદર બહુમત સાબિત કરવાનો સમય આપવામાં આવ્યો. ત્યારબાદ ફરી વખત શરદ પવારે સોનિયા ગાંધીનો સંપર્ક કર્યો અને તેને મનાવવા લાગ્યા કે, આપણે શિવસેના ને સમર્થન આપવું જોઈએ અને સરકારમાં સામેલ થવું જોઈએ. સોનિયા ગાંધી પહેલા તો હા પાડવામાં અચકાઈ રહી હતી પણ જ્યારે એ સવાલ આવ્યો કે, કોંગ્રેસનું ભાજપ મોટી દુશ્મન છે કે, શિવસેના? તો સોનિયા ગાંધી વિચારવા પર મજબૂર થઈ ગયાં. દિલ્હીમાં વર્તમાન મહારાષ્ટ્રના કોંગ્રેસી નેતા સતત સોનિયા પર દબાણ બનાવી રહ્યા હતા કે, તે શિવસેનાને સમર્થન માટે હા પાડી દે. આ કોંગ્રેસી નેતાઓએ જયપુરમાં વર્તમાન કોંગ્રેસ ધારાસભ્યોનો મંતવ્ય પણ સોનિયા ગાંધીને જણાવ્યો અને અમુક ધારાસભ્યો સાથે વાત પણ કરાવી.  

શરદ પવારે સોનિયા ગાંધીને સમજાવ્યા કે જો એનસીપી અને કોંગ્રેસ શિવસેનાને સમર્થન આપે અને સરકારમાં સામેલ પણ થાય તો સરકાર પાંચ વર્ષ સુધી ચાલી શકશે. અંતે સોનિયા ગાંધી માની ગયા અને પવારને કહ્યું કે તે ત્રણ નેતાઓને મુંબઈ મોકલી રહ્યા છે. મુંબઈ જનારા ત્રણ નેતાઓમાં સોનિયા ગાંધીના સૌથી વિશ્વાસુ અને રાજકીય સલાહકાર અને કોંગ્રેસના વર્તમાન કોષાધ્યક્ષ અહમદ પટેલ, મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રભારી મલ્લિકાર્જુન ખડગે અને રાહુલના નજીકના મનાતા કેસી વેણુગોપાલ સામેલ હતા. આ ત્રણેય નેતા મંગળવારની સવારે જવાના હતા પણ સમાચાર આવ્યા કે, તેઓ હવે નથી જઈ રહ્યા. ફરીથી 10 જનપથ અને શરદ પવાર વચ્ચે ફોન લાઈન ખુલી ગઈ. અંતે બપોર પછી આ ત્રણેય નેતા મુંબઈ પહોંચ્યા અને શરદ પવાર સાથે મુલાકાત કરી. પણ ત્યાં સુધીમાં એનસીપીએ મોડુ થઈ ગયું હતું. એનસીપીએ રાજ્યપાસ પાસે વધુ સમય માગ્યો પણ રાજ્યપાલે મનાઈ કરી દીધી.

આ બાજુ દિલ્હીમાં બપોરે જ વડાપ્રધાન મોદીએ બ્રાઝિલ જતા પહેલા કેબિનેટની બેઠક બોલાવીને મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાને લીલીઝંડી આપી દીધી. બસ રાષ્ટ્રપતિની રાહ હતી જે એ સમયે પંજાબમાં હતા. સાંજ પડતા તેમની મંજૂરી પણ મળી ગઈ. એના થોડા સમય પછી મુંબઈમાં અહમદ પટેલ અને શરદ પવારે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી અને મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનની ટીકા કરી.

તેમણે કહ્યું કે, રાજ્યપાલે કોંગ્રેસને પણ તક આપવી જોઈએ. તેમણે સરકાર બનાવવા અંગે કહ્યું કે, કોંગ્રેસ અને એનસીપીના નેતા સામસામે બેસીને નક્કી કરશે કે આગળ શું કરવું અને પછી શિવસેનાને આ અંગે જાણ કરવામાં આવશે. એટલે કે, શિવસેનાએ સંપૂર્ણ પાવર પોતાના જ હાથમાં રાખ્યો અને હવે શિવસેનાનું વહાણ મધદરિયે આવીને અટક્યું છે કે જ્યાંથી તેમને એનસીપી અને કોંગ્રેસ સિવાય કોઈ કિનારે પહોંચાડી શકે તેમ નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]