કેજરીવાલની વચગાળાના જામીન સાત દિવસ વધારવા ‘સુપ્રીમ’ અરજી

નવી દિલ્હીઃ દિલ્હીનાં CM કેજરીવાલે વચગાળાના જામીનની મુદત વધારવા માટે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ફરી એક વાર ખટખટાવ્યાં છે. તેમણે અરજીમાં સ્વાસ્થ્યનાં કારણોનો હવાલો આપીને વચગાળાના જામીન સાત દિવસ વધારવાની માગ કરી છે. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં પાર્ટીએ કહ્યું હતું કે દિલ્હીના CM કેજરીવાલને PET-CT સ્કેન સહિત કેટલાક અન્ય ટેસ્ટ કરાવવાના છે. જેથી તેમણે જામીનની મુદત વધારવાની માગ કરી છે.

દિલ્હી લિકર કૌભાંડ મામલામાં કેજરીવાલ હજી વચગાળાના જામીન પર જેલમાંથી બહાર છે. તેમને જામીન સુપ્રીમ કોર્ટે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતાં આપવામાં આવ્યા હતા. એને કારણે પહેલી જૂને છેલ્લા તબક્કાના મતદાન પછી બીજી જૂને કેજરીવાલે તિહાડ જેલમાં સરન્ડર કરવાનો આદેશ છે.

કેજરીવાલની EDએ 21 માર્ચે ધરપકડ કરી હતી. ધરપકડ પહેલાં EDએ કેજરીવાલને 10 નોટિસ પણ જારી કરી હતી, પણ જવાબ ના આપવાને કારણે EDએ કેજરીવાલની ધરપકડ કરી લીધી હતી. કેજરીવાલ હજી દિલ્હી લિકર કૌભાંડમાં અનિયમિતતાને લઈને તપાસ ચાલી રહી છે. તેઓ વચગાળાના જામીન પર લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતાં બહાર છે. જામીનને સમયે કોર્ટે એ પણ કહ્યું હતું કે કેજરીવાલ પર હજી કેસ ચાલી રહ્યો છે. એમના પર આરોપ હજી સાબિત નથી થયો. કોર્ટે કેજરીવાલને નિર્દેશ આપ્યા હતા કે તેઓ કોઈ સાક્ષી સાથે વાત નહીં કરે અને મુખ્ય મંત્રી સંબંધિત કામ નહીં કરે. એના માટે તેમને રૂ. 50,000ના જામીન બોન્ડ પર જમા કરવાના હતા.