નવી દિલ્હીઃ દિલ્હી અને દિલ્હીની પાસે NCRમાં પ્રદૂષણ એટલી હદે વધ્યું છે કે શ્વાસ લેવા સુધી ખતરનાક થઈ ચૂક્યું છે. દિવાળી પછી દિલ્હીમાં આબોહવા સતત પ્રદૂષિત થતી રહી છે. દિલ્હી-NCRમાં ધુમ્મસની ગાઢી ચાદર ફેલાયેલી છે. વાયુ પ્રદૂષણને કારણે દિલ્હીમાં હવે ઇમરજન્સી જેવી સ્થિતિ ઊભી થવાની છે. પ્રદૂષણની ગંભીરતાને જોતાં કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) લોકોને ઘરોથી બહાર નહીં નીકળવાની સલાહ આપી હતી.
દિલ્હીમાં વાયુ પ્રદૂષણને કારણે સ્કૂલોને ફરી બંધ કરવી પડે એવી સ્થિતિ છે. અહીં બાંધકામ કાર્ય અને ડીઝલ વાહનો પર પ્રતિબંધ લગાવવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જો વાયુ પ્રદૂષણનો સ્તર નહીં ઘટે તો CPCBની ઉપ સમિતિ દ્વારા રાજ્ય સરકારને એડવાઇઝરી જારી કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે પણ પ્રદૂષણ મુદ્દે ચિંતા જાહેર કરતાં કેન્દ્ર અને રાજ્ય સરકારને ફટકાર લગાવી હતી. કોર્ટે સરકારને પ્રદૂષણથી નિપટવા માટે બે દિવસ લોકડાઉન લગાવવાની પણ સલાહ આપી. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફટકાર લગાવતાં કહ્યું હતું કે તમે માત્ર ખેડૂતોને પ્રદૂષણ માટે જવાબદાર ગણી રહ્યા છો, પણ એ માત્ર 40 ટકા છે. કોર્ટે સવાલ કર્યો હતો કે વાહનથી ફેલાતા પ્રદૂષણ અને ફટાકડાથી ફેલાતા પ્રદૂષણનું શું?
સ્વિટઝર્લેન્ડની એર ક્વોલિટી ઇન્ડેક્સ પર દેખરેખ રાખતી સંસ્થા IQAirએ વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની લિસ્ટ જારી કરી છે, જેમાં ત્રણ શહેર ભારતનાં સામેલ છે. વિશ્વમાં ટોચના 10 પ્રદૂષિત શહેરોમાં દિલ્હી પહેલા સ્થાને છે. દિલ્હીનો વાયુ ગુણવત્તા સૂચકાંક 556 હતો. બીજા સ્થાને પાકિસ્તાનનું લાહોર છે. કોલકાતા 177 AQIની સાથે ચોથા સ્થાને છે. આ સિવાય મુંબઈ 169 AQIની સાથે છઠ્ઠા સ્થાને છે.