આસામ રાઇફલ્સના કાફલા પર આતંકવાદી હુમલોઃ છનાં મોત

ઇમ્ફાલઃ મણિપુરમાં સેનાના કાફલાને શનિવારે નિશાન બનાવવામાં આવ્યો હતો. આતંકવાદીઓએ તક જોઈને કરેલા આ હુમલામાં ભારતીય સેનાના એક કર્નલ, તેમનાં પત્ની અને પુત્રની તથા કમસે કમ અન્ય ત્રણ જવાનો માર્યા ગયા હતા. આ વિસ્તારમાં વર્ષોથી થયેલા સૌથી ઘાતક હુમલાઓમાંનો એક છે. કર્નલ વિપ્લવ ત્રિપાઠી (CO-46 AR), તેમનાં પત્ની અને પુત્રનાં મોત થયાં છે અને અન્ય ઘાયલોને બેહિયાંગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ હુમલો શનિવારે સવારે આશરે 10 કલાકે મણિપુરના ચુરચાંદપુર જિલ્લામાં મ્યાનમાર સીમાની પાસે થયો હતો. આસામ રાઇફલ્સના એક કાફિલા પર આતંકવાદીઓના એક અજાણ્યા જૂથે લાગ જોઈને હુમલો કર્યો હતો.

આ ઘટના રાજધાની ઇમ્ફાલથી 100 કિમી ઉત્તરમાં એક અંતરિયાળ ગામની છે, એમ સૂત્રોએ કહ્યું હતું.

મણિપુરના મુખ્ય પ્રધાન એન બિરેન સિંહે આર્મીના કર્નલ અને તેમના પરિવારના મોતની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું હતું કે ઉગ્રવાદીઓને પકડવા માટે કાઉન્ટર ઓપરેશન શરૂ કર્યું છે. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે 46 આસામ રાઇફલ્સના કાફલા પર કાયરતાપૂર્ણ હુમલાની નિંદા કરીએ છીએ, જેમાં સીસીપુરમાં કમાન્ડિંગ ઓફિસર અને તેમના પરિવાર સહિત સહિત કેટલાક જવાનોનાં મોત થયાં છે. રાજ્ય પોલીસ અને પેરા મિલિટરી આતંકવાદીઓને પકડવા માટે કામે લાગેલી છે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]