પંજાબમાં કોંગ્રેસ હાઇકમાન્ડની હાલત સાપે છંછૂદર ગળ્યા જેવી

 ચંડીગઢઃ પંજાબમાં કોંગ્રેસ એક સાંધે ત્યાં તેર તૂટે છે. પંજાબમાં કોંગ્રેસે પ્રચંડ બહુમત અપાવનારા અને સાડાનવ વર્ષ મુખ્ય પ્રધાન રહી ચૂકેલા અમરિન્દર સિંહને સત્તામાં બહાર કર્યા પછી કોંગ્રેસની મુશ્કેલીઓમાં સતત વધારો થયો છે.

પંજાબમાં કોંગ્રેસ હાઇ કમાન્ડની હાલત સાપે છંછૂદર ગળ્યા જેવી છે. પાર્ટીએ ચરણજિત સિંહ ચન્નીને મુખ્ય પ્રધાન બનાવીને દલિત વોટ અંકે કરવાની વિચાર્યું હતું. કોંગ્રેસે નવજોત સિંહ સિદ્ધુને પ્રદેશાધ્યક્ષ બનાવીને જાટ શીખ મતો પાર્ટી મેળવી લેવાની ચાલ ચાલી હતી. પાર્ટીએ હિન્દુઓને સાધવા માટે ઓપી સોનીને ઉપ મુખ્ય પ્રધાન બનાવ્યા હતા. વોટ ગણિતને આધારે એક વધુ ઉપ મુખ્ય પ્રધાન સુખજિંદર રંધાવાને બનાવ્યા. જોકે પાર્ટીની ચાલ સફળ થાય એવી શક્યતા ઓછી છે.

બીજી બાજુ અમરિન્દર સિંહે CMપદેથી હટ્યા પછી ખુલ્લો બળવો કર્યો હતો. ભાજપથી સંપર્ક સાધ્યા પછી અમરિન્દર સિંહે નવી પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ બનાવી છે. જેનાથી કોંગ્રેસના મત કાપશે. હિન્દુઓ કોંગ્રેસથી પહેલેથી નારાજ થયા છે, કેમ કે સુનીલ જાખડને અધ્યક્ષપદથી હટાવ્યા અને બે મોટાં પદોમાંથી એક પર પણ હિન્દુને નથી બેસાડવામાં આવ્યા.

આ ફેલ થતા ગણિતની વચ્ચે નવજોત સિંહ દિન-પ્રતિદિન નવી મુશ્કેલીઓ ઊભી કરી રહ્યા છે. તેઓ ભાજપમાંથી કોંગ્રેસમાં મુખ્ય પ્રધાન બનવા આવ્યા હતા, પણ તેમનું સપનું આજસુધી પૂરું નથી થયું. ચન્નીને મુખ્ય પ્રધાન બનાવવામાં આવતાં સિદ્ધુનો ભ્રમ ભાંગી ગયો હતો. વળી, સિદ્ધુ પોતાની સરકારની કામગીરી પર નિશાન સાધી રહ્યા છે. એટલે હાલ કોંગ્રેસ કિંકર્તવ્યમૂઢ છે. આવામાં આવતા વર્ષે  યોજાનારી ચૂંટણીનાં પરિણામો હાનિકારક હોઈ શકે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]