સિધુદંપતીએ પુત્રનો સગાઈપ્રસંગ ઉજવ્યો ગંગાનદીના કાંઠે

ચંડીગઢઃ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિધુ અને એમના પત્ની નવજોતકૌરે એમનાં પુત્ર કરણની સગાઈ અનોખી રીતે કરી છે. તેમણે કરણ અને ઈનાયત રંધવાની સગાઈનો પ્રસંગ ગંગા નદીના કિનારે યોજ્યો હતો. સિધુએ પોતે જ તેના ફોટા સોશિયલ મિડિયા પર શેર કરીને આ માહિતી આપી છે.

સિધુએ ટ્વિટર પર ચાર તસવીર શેર કરી છે. જેમાં એ પોતે, એમના પત્ની, પુત્ર કરણ અને ભાવિ પુત્રવધુ ઈનાયત નદી કિનારે ગંગાનાં પાણીમાં ઊભેલાં દેખાય છે. સિધુએ જણાવ્યું છે કે, ‘અમારા પુત્ર કરણે એની મમ્મીની ઈચ્છા પૂરી કરી છે. દુર્ગા અષ્ટમીના શુભ દિવસે ગંગામાતાનાં ખોળે જિંદગીના નવા અધ્યાયની શરૂઆત અલગ રીતે કરી છે. કરણ અને ઈનાયતે એકબીજાંને વચનબદ્ધ રહેવાનો સંકલ્પ કર્યો છે.’

ઉલ્લેખનીય છે કે, નવજોતકૌર કેન્સર રોગનો શિકાર બન્યાં છે. હાલ એમની સારવાર ચાલુ છે. એમની બીમારીને કારણે જ કરણ અને ઈનાયતની સગાઈનો પ્રસંગ વિલંબમાં મૂકાઈ ગયો હતો. હવે કરણ અને ઈનાયત ટૂંક સમયમાં જ લગ્નનાં બંધનથી જોડાશે.

ઈનાયત રંધવા પટિયાલા શહેરની વતની છે. એ પટિયાલાના જાણીતા શ્રીમંત મનિન્દર રંધાવાની પુત્રી છે. મનિન્દર રંધાવા ભારતીય સેનામાં સેવા બજાવી ચૂક્યા છે. હાલ તેઓ પંજાબ સંરક્ષણ સેવા કલ્યાણ વિભાગમાં ઉપસંચાલક તરીકે સેવા બજાવે છે.