મીઠાખળીના નવા અંડર બ્રિજમાં પાયાની સુવિધાનો અભાવ

અમદાવાદઃ શહેરના મીઠાખળી વિસ્તારમાં પગપાળા જતાં લોકો અને ટૂ વ્હીલર માટે તૈયાર કરવામાં આવેલા અંડરબ્રિજમાં પાયાની સુવિધા જેવી કે સ્ટ્રીટ લાઇટ જ નથી. આ સ્ટ્રીટ લાઇટ વગરનું નવનિર્મિત ગરનાળું અંધારી ગુફા જેવું લાગે છે. આ સાથે સાંકડા ગરનાળામાં સામેથી આવતા વાહન કે માણસોને જોવા કાચ પણ મૂક્યા નથી.

અમદાવાદમાં રહેણાક અને વેપાર-ધંધાથી ધમધમતા મીઠાખળી આશ્રમ રોડ અને ગાંધીગ્રામ રેલવે સ્ટેશન વિસ્તારથી એકદમ નજીક આવેલો છે. પહેલાં રેલવે ક્રોસિંગને કારણે જૂના નટરાજ સિનેમા, આશ્રમ રોડ, ગાંધીગ્રામ સ્ટેશન તરફથી આવતા વાહનોથી ટ્રાફિક-જામ થઈ જતો. આ વિસ્તારમાં રેલવેના પાટા, સ્ટેશનને નવા બનાવવા માટે વિકાસ થઈ રહ્યો છે, જેમાં અમદાવાદ મેડિકલ એસોસિયેશનથી મીઠાખળી ગામ તરફ નવો અંડર બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે, પરંતુ આ અંડર બ્રિજની ડિઝાઇન ખામીયુક્ત લાગી રહી છે. આ અન્ડરબ્રિજ અત્યંત સાંકડો, વધુ ઢાળવાળો બ્રિજ ફક્ત પગપાળા જતા લોકો અને ટૂ વ્હીલર માટે તૈયાર કરવામાં આવ્યો છે. આ બ્રિજ અંધારિયા ભોંયરા જેવો છે, આ અન્ડર બ્રિજમાં ભયાનક વળાંક છે. રાહદારીઓ કે વાહનચાલકો એકબીજાને જોઈ શકે એ માટે સ્ટ્રીટ લાઇટ કે કાચ જેવી સુવિધા પણ નથી.

રેલવેએ આ વિસ્તારમાં કરોડો રૂપિયા ખર્ચ કર્યા પછી ખુલ્લા મૂકી દીધેલા આ ગરનાળા જેવા અંડર બ્રિજમાં લાઇટની વ્યવસ્થા નથી. રાત્રે સ્ટ્રીટ લાઇટ ન હોવાથી અકસ્માતનો સતત ભય લાગે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)