વિદેશ-ભણવા જવા માગતા વિદ્યાર્થીઓનો ‘કોવિશીલ્ડ’ લેવા ધસારો

મુંબઈઃ વિદેશની યૂનિવર્સિટીઓમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માગતા ભારતનાં વિદ્યાર્થીઓ માટે એક નવી મુસીબત ઊભી થઈ છે, રસી લેવાની. એમને હાલ કોવિશીલ્ડ કોરોના-પ્રતિરોધક રસી લેવા માટે લાઈન લગાડવી પડે છે. વાત એમ છે કે, મોટા ભાગના વિદેશી દેશોએ જે કોરોના-વિરોધી રસીઓને મંજૂરી આપી છે તે યાદીમાં કોવિશીલ્ડ છે, પરંતુ ‘કોવેક્સીન’ને સામેલ કરી નથી. ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા રસી કોવિશીલ્ડનું ભારતમાં ઉત્પાદન પુણેસ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા કંપની કરે છે. જ્યારે કોવેક્સીન સ્વદેશી રસી છે જે હૈદરાબાદસ્થિત ભારત બાયોટેક કંપનીએ બનાવી છે. ભારતમાં 18-44 વર્ષના વયજૂથનાં લોકોને પણ કોરોના-રસી આપવાની સરકારે મંજૂરી આપી દીધી છે, પરંતુ આ માટે નામ જ્યાં રજિસ્ટર કરાવવું પડે છે તે કેન્દ્ર સરકાર સંચાલિત પોર્ટલ CoWin પર બુકિંગ તારીખ મેળવવામાં આ વિદ્યાર્થીઓને બહુ મુશ્કેલી નડી રહી છે.

આ વિદ્યાર્થીઓને એમની સંબંધિત વિદેશી યૂનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવા માટે નજીક આવી રહેલી ડેડલાઈનનું પણ ટેન્શન છે. ભારતમાંથી આવનાર વિદ્યાર્થીઓએ કોવિશીલ્ડ રસી લઈને આવવું ફરજિયાત કરાયું છે. તેથી વિદ્યાર્થીઓ એ માટે રોજ લાઈન લગાવી રહ્યાં છે. એમની પાસે કોવિશીલ્ડનો કોઈ વિકલ્પ નથી. ઘણી વિદેશી યૂનિવર્સિટીઓ આવતા ઓગસ્ટ-સપ્ટેમ્બરથી એમનું શૈક્ષણિક વર્ષ શરૂ કરવાની છે.