નવી દિલ્હીઃ મોદી સરકારે બુધવારે ટ્વિટર પર મોડી કાર્યવાહી કરવા પર નારાજગી વ્યક્ત કરી છે. સરકારે ખેડૂતોના ચાલી રહેલા આંદોલનમાં ખોટી માહિતી અને સામગ્રી ફેલાવનારા હેશટેગ (#)ના રૂપમાં ટ્વિટર પર કડક નારાજગી વ્યક્ત કરી હતી. આઇટી મંત્રાલયે એ સ્પષ્ટ કર્યું હતું કે કંપનીના ભલે પોતાના નિયમો હોય, પણ કંપનીએ દેશના નિયમોનું પાલન કરવું જોઈએ.
ટ્વિટરે 500થી વધુ એકાઉન્ટ સસ્પેન્ડ કર્યાં છે. જોકે કંપનીએ એને અભિવ્યક્તિની સ્વતંત્રતાને અખંડ રાખવા પર ભાર મૂકતાં મિડિયા કંપનીઓ, પત્રકારો, ચળવળકારો અને રાજકારણીઓના એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો.
આઇટી સચિવ અને ટ્વિટર અધિકારીઓની વચ્ચેના ડિજિટલ સંવાદમાં કંપનીને કહેવામાં આવ્યું હતું કે ભારતમાં વેપાર કરતી કંપનીએ એ દેશના કાયદાઓ અને લોકતાંત્રિક સંસ્થાઓનું સન્માન કરવું જોઈએ અને દેશમાં શાંતિ ડહોળવાના અને અશાંતિ ફેલાવવનારી ઝુંબેશ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. સચિવે ખેડૂત આંદોલન સંદર્ભે ભડકાઉ વાતો પર કાર્યવાહી કરવાથી સરકારી આદેશોનું પાલન નહીં કરવા બદલ ટ્વિટરની આલોચના કરી છે.
કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે ગુરુવારે રાજ્યસભામાં ટ્વિટર સહિત સોશિયલ મિડિયા સાઇટ્સને કડક સંદેશ આપ્યો તો. ટ્વિટર, ફેસબુક, વોટ્સએપને વિનમ્રતાપૂર્વક પ્રસાદે કહ્યું હતું ભારતમાં કરોડો ફોલોઅર્સ છે. તમે વેપાર કરો છો અને પૈસા કમાવો છો, પણ ભારતના કાયદાઓનું પાલન કરવું પડશે. સોશિયલ મિડિયાનો દુરુપયોગ ભારતમાં હિંસા અને નફરત ફેલાવવા માટે એને સાંખી નહીં લેવામાં આવે.