આર્મ્સ-એક્ટ કેસમાં જોધપુર-કોર્ટ તરફથી સલમાન ખાનને રાહત

જોધપુરઃ અહીંની એક જિલ્લા અને સેશન્સ કોર્ટે કાળિયાર શિકાર કેસના સંબંધમાં બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને આજે મોટી રાહત આપી છે. કોર્ટે રાજસ્થાન સરકાર તરફથી સલમાનની વિરુદ્ધમાં નોંધાવવામાં આવેલી બંને અપીલને ફગાવી દીધી છે.

રાજસ્થાન સરકારે એવો દાવો કર્યો હતો કે સલમાને 2003માં તેના શસ્ત્ર લાઈસન્સનાન સંબંધમાં જોધપુરની કોર્ટમાં ખોટું સોગંદનામું નોંધાવ્યું હતું. 2019ના જૂનમાં, ટ્રાયલ કોર્ટે સલમાનને ખોટા સોગંદનામાના આરોપમાંથી મુક્ત કર્યો હતો. પરંતુ રાજસ્થાન સરકારે એ ચુકાદા સામે જિલ્લા અને સેશન્સ કોર્ટમાં અપીલ નોંધાવી હતી. કેસમાં દલીલબાજી ગયા મંગળવારે સમાપ્ત થઈ હતી. જજ રાઘવેન્દ્ર કાચ્છવાલાએ આજે સલમાનની તરફેણમાં ચુકાદો આપીને સરકારની બંને અરજીને ફગાવી દીધી હતી. સલમાને 2003માં કોર્ટમાં સોગંદનામું નોંધાવ્યું હતું અને કહ્યું કે એનું શસ્ત્ર લાઈસન્સ ખોવાઈ ગયું છે.