શુભેન્દુ અધિકારીના રોડ-શોમાં ભાજપના કાર્યકર્તાઓ પર પથ્થરબાજી

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ગરમાટો આવ્યો છે. કોલકાતામાં ભાજપના રોડ-શોમાં કાર્યકર્તાઓ પર પથ્થરબાજી થઈ હતી. આ રોડ-શોમાં કેન્દ્રીય પ્રધાન દેબાશ્રી ચૌધરી, ભાજપ પ્રદેશના અધ્યક્ષ દિલીપ ઘોષ અને ટીએમસી છોડીને ભાજપમાં સામેલ થયેલા શુભેન્દુ અધિકારી સામેલ છે. આ ઘટના બાદ શુભેન્દુ અધિકારીએ કહ્યું હતું કે આ રોડ-શો માટે પોલીસની મંજૂરી લેવામાં આવી હતી, તેમ છતાં કેટલાક લોકોએ પથ્થરબાજી કરી હતી. આ વ્યૂહરચના કામ નહીં કરશે, કેમ કે પશ્ચિમ બંગાળના લોકો અમારી સાથે છે, તેઓ પરિવર્તન ઇચ્છે છે.

ભાજપના નેતાઓએ હુમલાના આરોપ તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ પર લગાવ્યા હતા. આ રોડ-શોમાં બંને પક્ષના કાર્યકર્તાઓમાં અથડામણ થઈ હતી. ટીએમસીની મહિલા વિંગે ભાજપના નેતાઓને કાળા ઝંડા દર્શાવ્યા હતા. આ પહેલાં પશ્ચિમ  બંગાળના પ્રવાસે આવેલા ભાજપાધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર 10 ડિસેમ્બરે તૃણમૂલ ના ટેકેદારોએ પથ્થરબાજી કરી હતી. જેમાં બંગાળના પ્રભારી કૈલાશ વિજયવર્ગીય સહિત પાર્ટીના કેટલાક નેતાઓ ઇજાગ્રસ્ત થયા હતા.

બેઉ બળિયા બાથે વળગ્યા

આ પહેલાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ આગામી ચૂંટણી નંદીગ્રામ વિધાનસભા બેઠક પરથી  લડવાનું એલાન કર્યું હતું, જ્યાંથી 2016માં તેમના ખાસ રહેલા શુભેન્દુ અધિકારી ચૂંટણી જીત્યા હતા. પૂર્વ મિદનાપોરસ્થિત નંદીગ્રામ શુભેન્દુનો ગઢ માનવામાં આવે છે. સામે પક્ષે શુભેન્દુએ પણ કહ્યું છે કે જો નંદીગ્રામમાં મમતાને નહીં હરાવું તો રાજકારણ છોડી દઈશ.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]