નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે રાજ્યોને નિર્દેશ આપ્યો છે કે લોકડાઉનને ધીમે-ધીમે ખોલવાની પ્રક્રિયામાં સતર્કતા જરૂરી છે. અનલોકની કવાયત દરમ્યાન કેટલીક જગ્યાએ બજારોમાં ભીડ ઊમટી પડી છે અને રસ્તા પર ટ્રાફિક-જેમ જેવી સ્થિતિની વચ્ચે આ નિર્દેશ જારી કર્યા છે. ગૃહ મંત્રાલય દ્વારા શનિવારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મોકલવામાં આવેલા પત્રમાં ટેસ્ટ-ટ્રેક અને ટ્રીટની ફોર્મ્યુલા અને રસીકરણ પર વિશેષ ભાર આપવા કહ્યું છે. કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવાનો પણ નિર્દેશ છે.
કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ રાજ્યોને લખેલા પત્રમાં કહ્યું હતું કે કોરોનાની ચેઇનને તોડવા માટે કોરોનાવિરોધી રસીકરણ બહુ મહત્ત્વનું છે. આવામાં રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ રસીકરણમાં ઝડપ કરે. તેમણે કહ્યું હતું કે કોરોનાની બીજી લહેર દરમ્યાન કેટલાંક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સંક્રમણના કેસોમાં ઝડપી વધારો નોંધાયો હતો. કેટલાંક રાજ્યોએ સંક્રમણને અટકાવવા માટે ફરી પ્રતિબંધ લગાવ્યા છે.
જોકે દેશમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતાં કેટલાંક રાજ્યોએ અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પ્રતિબંધોમાં છૂટ આપવાની શરૂ કરી છે. જેથી લોકડાઉન ખોલવાની પ્રક્રિયા સતર્કતાપૂર્વક, વિધિવત્, અને સ્થિતિની સમીક્ષા કરીને શરૂ કરવામાં આવે. ગૃહ સચિવે કહ્યું હતું કે કોરોના સંક્રમણથી લડવા માટે સાવધાનીમાં કોઈ કમી ના કરવામાં આવવી જોઈએ.
ભલ્લાએ કહ્યું હતું કે કોરોના રોગચાળાની સ્થિતિમાં ફેરફાર થતો રહેતો હોય છે. ફરી સંક્રમણ દરમાં વધારાના સંકેતો મળે તો કડક નિગરાની રાખવાની જરૂર છે.
