નવી દિલ્હીઃ કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ની વર્ચ્યુઅલ બેઠક આજે સાંજે અહીં સમાપ્ત થઈ. પક્ષનું નેતૃત્ત્વ બદલવું જોઈએ કે નહીં એ મુદ્દે સાત કલાક સુધી ચર્ચા બાદ સમિતિએ એવું ઠેરવ્યું કે સોનિયા ગાંધી જ હાલ પક્ષના વચગાળાના પ્રમુખપદે ચાલુ રહે અને નવા પ્રમુખની પસંદગી આવતા છ મહિનામાં કરવી.
CWC કોંગ્રેસ પાર્ટીની સર્વોચ્ચ નિર્ણાયક મંડળ છે. તેના સભ્યોએ આજે એ પણ નક્કી કર્યું કે સોનિયા ગાંધીને પક્ષની દૈનિક કામગીરી સંભાળવામાં મદદરૂપ થવા માટે એક સમિતિની રચના કરવી.
ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)નું સત્ર છ મહિનામાં બોલાવવું જેમાં આગળનો નિર્ણય લેવો એવું નક્કી કરવામાં આવ્યું છે.
સોનિયા ગાંધી પક્ષનું નેતૃત્ત્વ છોડી દેવા મક્કમ હતાં, પરંતુ આખરે તેઓ હોદ્દા પર ચાલુ રહેવા સંમત થયાં છે. મેરેથોન બેઠક બાદ એમણે કહ્યું કે કોંગ્રેસ એક પરિવાર છે અને હું કોઈની પણ વિરુદ્ધમાં નથી. પરંતુ, પક્ષના વરિષ્ઠ નેતાઓએ પક્ષના માત્ર આ મંડળમાં જ એમના સવાલો ઉઠાવવા જોઈએ.
પક્ષમાં નેતૃત્ત્વના મામલે કટોકટી આ મહિનાના આરંભમાં શરૂ થઈ હતી જ્યારે 23 નેતાઓએ એક સંયુક્ત પત્ર સોનિયા ગાંધીને લખ્યો હતો અને પક્ષમાં કેન્દ્રીય નેતૃત્ત્વ સહિત ધરખમપણે સુધારા-ફેરફારો કરવા જોઈએ એવી માગણી મૂકી હતી. પક્ષના ફૂલ-ટાઈમ પ્રમુખની વરણી થવી જોઈએ એવી તેમણે માગણી રજૂ કરી હતી.
આ પત્ર ઉપર ચર્ચા કરવા માટે સોનિયા ગાંધીએ આ સવારે 11 વાગ્યે CWCની બેઠક બોલાવી હતી.
23 નેતાઓમાં ત્રણ મુખ્ય અસંતુષ્ટ નેતા છે – ગુલામ નબી આઝાદ, કપિલ સિબ્બલ અને મુકુલ વાસનિક. જોકે બેઠકમાં આઝાદ, વાસનિક અને આનંદ શર્માએ સોનિયા ગાંધીનાં નેતૃત્ત્વની પ્રશંસા કરી હતી. ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ સહિત ઘણા નેતાઓએ સોનિયા ગાંધીને એમનાં પદ પર ચાલુ રહેવાની વિનંતી કરી હતી.
કહેવાય છે કે CWC બેઠકમાં પક્ષનાં ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ સોનિયા ગાંધીને પત્ર લખનાર નેતાઓની આકરી ઝાટકણી કાઢી હતી અને એવી શંકા વ્યક્ત કરી હતી કે પક્ષના નેતૃત્ત્વમાં ફેરફારની માગણીવાળો પત્ર ભાજપ સાથે સાંઠગાંઠમાં લખાયો છે. જોકે બાદમાં કોંગ્રેસ પાર્ટીએ જ આવા સમચારોને રદિયો આપ્યો હતો અને કહ્યું કે રાહુલ ગાંધી એવું કંઈ બોલ્યા નહોતા.
કપિલ સિબ્બલે પણ બાદમાં કહ્યું કે રાહુલ ગાંધીએ વાસ્તવમાં એમ કહ્યું હતું કે અમારામાંના કોઈને ભાજપ સાથે સાંઠગાંઠ નથી.