‘બીજેપી સે મિલીભગત’ મુદ્દે કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં ધાંધલ

નવી દિલ્હીઃ કોંગ્રેસની CWC બેઠક દરમ્યાન ભારે હંગામો જોવા મળ્યો હતો. આ બેઠકમાં રાહુલ ગાંધીના સંબોધનને લઈને ઊભા થઈ રહેલા સવાલ મામલે કોંગ્રેસે સ્પષ્ટતા કરી છે. કોંગ્રેસ પક્ષ તરફથી કહેવામાં આવ્યું હતું કે રાહુલે ભાજપની સાથે મિલીભગત જેવા કે એનાથી મળતા એક પણ શબ્દ વાપર્યા નથી. ત્યાર બાદ વરિષ્ઠ કોંગ્રેસી નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન કપિલ સિબ્બલે પોતાનું ટ્વીટ પાછું લીધું છે. સિબ્બલે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ વ્યક્તિગત રીતે મને કહ્યું હતું કે તેમણે એવી કોઈ વાત કરી નથી, જે બતાવવામાં આવી રહી છે. એ પછી મેં મારું ટ્વીટ પાછું લીધું હતું.

રાહુલના આરોપ

પહેલાં ન્યૂઝ આવ્યા હતા કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં બદલાવ લઈને લખવામાં આવેલા પત્રના ટાઇમિંગ પર સવાલ ઊભા થયા હતા અને પત્ર લખનારા પક્ષના જ નેતાઓને ભાજપથી મિલીભગત કરવાના આરોપ લગાવવામાં આવ્યા હતા. રાહુલના આ આરોપ પર ગુલામ નબી આઝાદે રાજીનામું આપવાની વાત કરી હતી અને કપિલ સિબ્બલે પણ ટ્વીટ કર્યું હતું.

કપિલ સિબ્બલનું અભી બોલા અભી ફોક

કપિલ સિબ્બલે લખ્યું હતું કે રાહુલ ગાંધીનું કહેવું છે કે તમે ભાજપથી મિલીભગત કરી રહ્યા છો. અમે (સિબ્બલ) રાજસ્થાન હાઇકોર્ટમાં કોંગ્રેસ પાર્ટીનો પક્ષ મૂક્યો. મણિપુરમાં ભાજપ સરકારને હટાવવા માટે કોંગ્રેસનો બચાવ કર્યો. પાછલાં 30 વર્ષોમાં ભાજપના સમર્થનમાં એક નિવેદન સુધ્ધાં નથી કર્યું, પરંતુ તેમ છતાં અમે ભાજપથી મિલીભગત કરી રહ્યા છીએ?

આ ટ્વીટને કપિલે તરત જ ડિલીટ કરી દીધું હતું. ત્યાર બાદ તેમણે એક નવું ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું હતું કે તેમને રાહુલ ગાંધીએ વ્યક્તિગત રીતે જણાવ્યું હતું કે તેમની તરફથી એવું કહેવામાં નથી આવ્યું, જે બતાવવામાં આવી રહ્યું છે. સિબ્બલે વધુમાં લખ્યું હતું કે એટલા માટે હું મારું ટ્વીટ પાછું લઉં છું.

ગુલામ નબી આઝાદે રાજીનામું આપવાની વાત કરી

પ્રાપ્ત અહેવાલો અનુસાર રાહુલ ગાંધીના આરોપો પર ગુલામ નબી આઝાદે પણ પોતાની વાત રજૂ કરી હતી. તેમણે કહ્યું હતું કે પત્ર કેમ લખ્યો એની સ્પષ્ટતા કરી શકાય છે. તેમણે આરોપ સાચા પુરવાર થાય તો રાજીનામું આપવાની વાત કરી હતી.

કપિલ સિબ્બલના ટ્વીટ પર સૂરજેવાલાની સ્પષ્ટતા

રણદીપ સૂરજેવાલાએ કહ્યું હતું કે રાહુલ ગાંધીએ ભાજપથી મિલીભગતની વાત ક્યારેય કહી નથી. ખોટા સમાચાર ફેલાઈ રહ્યા છે, પરંતુ એ સાચું છે કે આપણે બધાએ એકસાથે મળીને મોદી સરકારની સામે લડવાનું છે –ના કે અંદરોઅંદર લડીને કોંગ્રેસને નુકસાન પહોંચાડવાનું છે.