લોકડાઉન ઈફેક્ટઃ શિર્ડી સાઈબાબા મંદિરને દાન અત્યંત ઘટી ગયું

શિર્ડી (મહારાષ્ટ્ર): કોરોના લોકડાઉને મંદિરમાં આવતા દાન પર પણ પ્રતિકૂળ અસર પાડી છે. મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શિર્ડીના સાંઈબાબા મંદિર ટ્રસ્ટને દૈનિક ધોરણે રૂ. 150 કરોડથી વધુનું નુકસાન થઈ રહ્યું છે. શિર્ડી મંદિરના ચઢાવા સ્વરૂપે થતી વાર્ષિક આવક રૂ. 600 કરોડ છે. સાઈબાબાને દૈનિક દાન સ્વરૂપે રૂ. 1.64 કરોડથી વધુ મળે છે.

લોકડાઉનને કારણે આ મંદિર બંધ થયા પછી 17 માર્ચથી ત્રીજી મે સુધીમાં ઓનલાઇન ડોનેશન દ્વારા આશરે રૂ. 2.53 કરોડ મળ્યા છે. એટલે કે દૈનિક માત્ર રૂ. છ લાખની રકમ દાન સ્વરૂપે મળી છે.

મંદિર ટ્રસ્ટને રૂ. 150 કરોડથી વધુ નુકસાન થવાની વકી

આવામાં સાંઈબાબા ટ્રસ્ટને દૈનિક રૂ. 1.58 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. જો આ લોકડાઉન આ જ રીતે જૂન સુધી ચાલ્યું તો મંદિર ટ્રસ્ટને રૂ. 150 કરોડથી વધુનું નુકસાન થશે. મંદિર બંધ થવાને કારણે ઓનલાઇન  8-9 સાંઈ ભક્તો જ દર્શન કરે છે.

દૈનિક 40-50 હજાર ભક્તો દર્શને આવતા

સામાન્ય દિવસોમાં એક દિવસમાં સાંઈબાબાનાં દર્શન 40-50 હજાર જેટલા ભક્તો કરતા હતા અને રૂ. એક કરોડથી વધુની રકમ દાન પેટીમાં નાખતા હતા.

સંસ્થાનો મેડિકલ પર રૂ. 100 કરોડ ખર્ચ

શિર્ડીના સાંઈ બાબા સંસ્થા તરફથી કેટલાય પ્રકારના સામાજિક કામ કરવામાં આવતા હતા. સંસ્થા તરફખી જે લોકોને પ્રસાદના સ્વરૂપે લાડુ આપવામાં આવતા હતા એના પર સંસ્થા પ્રતિ વર્ષે રૂ. 40 કરોડ ખર્ચ કરતી હતી. આ ઉપરાંત સંસ્થા હજ્જારોની સંખ્યામાં લોકોની મફત સારવાર કરતી હતી- પછીએ હાર્ટનું ઓપરેશન હોય કે મોટી સંખ્યામાં ડાયાલિસિસની મશીનો લગાવવાનાં અન્ય કામ હોય. સંસ્થા મેડિકલ પર પ્રતિ વર્ષ રૂ. 100 કરો ખર્ચ કરે છે. સંસ્થા ગરીબ બાળકોને શિક્ષણ આપવાનો ખર્ચ પર ઉઠાવે છે અને રૂ. 15 કરોડનો ખર્ચ કરે છે. બાબાના મંદિરને સાફસૂથરું રાખવા માટે આશરે 8000 કર્મચારીઓ દિવસ-રાત કામ કરે છે, સંસ્થા તેમના પર દર વર્ષે રૂ. 160 કરોડ ખર્ચ કરે છે.

સંસ્થા પાસે રૂ. 2300-2400 કરોડ જમા

સંસ્થા પાસે રોકડની સાથે સોના-ચાંદી અને અન્ય ચીજવસ્તુ છે, જે બાબાને દાન સ્વરૂપે છે. સાંઈ સંસ્થાની પાસે રૂ. 2300-2400 કરોડ બેન્કમાં જમા છે, જેના વ્યાજ સ્વરૂપે રૂ. 100-150 કરોડ પ્રતિ વર્ષ મળે છે.