ગર્ભગૃહમાં શ્રીરામ ભગવાનઃ મોદી, ભાગવત, યોગી બન્યા યજમાન

અયોધ્યાઃ 500 વર્ષની તપસ્યા આજે પૂરી થઈ છે. અયોધ્યામાં પ્રભુ શ્રીરામ આજે ભવ્ય અને દિવ્ય મંદિરમાં વિરાજમાન થયા. વડા પ્રધાન મોદી અને UPના CM યોગી સહિત સંત સમાજ અને અતિ વિશિષ્ઠ લોકોની ઉપસ્થિતિમાં રામલલ્લાના શ્રીવિગ્રહની પ્રાણ પ્રતિષ્ઠાનું ઐતિહાસિક અનુષ્ઠાન આજે પૂરું થયું છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલ્લાની આરતી પણ કરવામાં આવી હતી.

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ શરૂ થઈ ચૂક્યો છે. એ એક વાગ્યા સુધી ચાલવાની અપેક્ષા છે. આ કાર્યક્રમ પછી વડા પ્રધાન મોદી મંદિરના બાંધકામથી જોડાયેલા શ્રમજીવીઓની સાથે વાતચીત કરશે. વડા પ્રધાન મોદી કુબેર ટીલા પણ જશે, જ્યાં એક પ્રાચીન શિવ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. ત્યાં તેઓ પૂજા કરશે.

આ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે ચૌદ યજમાન છે.એક દિવસ પછી 23 જાન્યુઆરીથી મંદિર સામાન્ય જનતા માટે ખોલી દેવામાં આવશે. મૈસુરના જાણીતા મૂર્તિકાર અરુણ યોગીરાજે ભગવાન રામની ઐતિહાસિક પ્રતિમા બનાવી છે. નવી 51 ઇંચની મૂર્તિને ગુરુવારે મંદિરના ગર્ભગૃહમાં રાખવામાં આવી હતી.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા ભાજપના નેતા ઉમા ભારતી અને સાધ્વી ઋતંભરાએ એકબીજાને ગળે લગાવ્યા હતા. આ દરમિયાન ઉમા ભારતી અને સાધ્વી ઋતંભરા ખૂબ જ ભાવુક દેખાઈ રહ્યા હતા અને એકબીજાને ગળે લગાવીને રડી પડ્યા હતા.