મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અજિત પવારના કરેલા દાવાને સ્વીકારતાં વરિષ્ઠ નેતા શરદ પવારે કહ્યું હતું કે તેમણે 2019માં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના ઘરે ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. જોકે તેમણે કહ્યું હતું કે ભલે બેઠક અદાણીના ઘરે થઈ હતી, પરંતુ એ સમયે અદાણી ઘરે નહોતા.
ચૂંટણી દરમ્યાન એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે 2019માં અદાણીના આવાસ પર યોજાયેલી આ બેઠકમાં તે પોતે, ગૃહ મંત્રી અમિત શાહ અને અજિત પવાર ઉપસ્થિત રહ્યા હતા. જોકે તેઓ NDAમાં સામેલ થયા હોત તો તેમની અને તેમના નેતાઓની વિરુદ્ધ ચાલી રહેલી તપાસ એજન્સીઓથી જોડાયેલા કેસ ખતમ થઈ જાત.
તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા તેમને જે પણ પ્રલોભન આપવામાં આવ્યું હતું, એનો તેમણે સૌએ ઇનકાર કરી દીધો હતો. પવારે કહ્યું હતું કે તેમને વિશ્વાસ નહોતો કે ભાજપ એનું વચન નિભાવશે. તેના સાથીએ કહ્યું હતું કે કેમ એક વાર સાંભળી લેવામાં ના આવે.
તેમણે જણાવ્યું હતું કે આ બેઠકમાં મને ભાજપને ટેકો આપવા અપીલ કરવામાં આવી હતી. તેના બદલામાં મારા પક્ષના અમુક સભ્યો પર ચાલી રહેલા કેસો રદ કરવાનું વચન આપ્યું હતું. પરંતુ મને ભાજપ પર વિશ્વાસ ન હતો. જેથી મે આ સોદો સ્વીકાર્યો નહીં. આ સમગ્ર ચર્ચામાં અદાણીએ ક્યાંય ભાગ લીધો ન હતો. તેઓ માત્ર ડિનરમાં અમારી સાથે હતા.
અજિત પવારે હાલમાં જ નિવેદન આપ્યું હતું કે 2019માં ભાજપના દિગ્ગજ નેતાઓ, NCP નેતાઓએ ગૌતમ અદાણીના ઘરે બેઠક કરી હતી. જેમાં પ્રફુલ પટેલ, દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવાર, શરદ પવાર ઉપસ્થિત હતા. અજિત પવારના આ નિવેદનથી જ રાજકારણમાં ખળભળાટ મચ્યો હતો. વિપક્ષના નેતાઓએ આ નિવેદન પર દાવો કર્યો છે કે મોદી સરકાર એ વાસ્તવમાં અદાણીની સરકાર છે.