નવી દિલ્હીઃ MSP (મિનિમમ સપોર્ટ પ્રાઇઝ) પર કાયદાકીય ગેરન્ટીની માગ કરી રહેલા ખેડૂતો ફરીથી દિલ્હી કૂચ કરી રહ્યા છે. સરકાર સાથે ચાર તબક્કાની વાતચીતમાં કોઈ પણ નિષ્કર્ષ પર નથી નીકળ્યો, જેથી હજારો ખેડૂતો દિલ્હીથી આશરે 200 કિલોમીટર દૂર પંજાબ-હરિયાણાની વચ્ચે શંભુ બોર્ડર પર છે. શંભુ બોર્ડરે ખેડૂતો જ્યારે આગળ વધવા લાગ્યા, ત્યારે તેમની પર ટિયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. ખેડૂત નેતા સરવન સિંહ પંઢેરે દેખાવકારોને આગળ ના વધવાની અપીલ કરી હતી.
સરકારના અંદાજ અનુસાર 1200 ટ્રેક્ટર-ટ્રોલીઓ, 300 કારો, 10 મિની બસોની સાથે-સાથે નાનાં વાહનોની સાથે આશે 14,000 લોકો પંજાબ હરિયાણા સરહદે એકત્ર થયા છે. જોકે વહીવટી તંત્ર તેમને અટકાવવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. હરિયાણામાં જ નહીં, દિલ્હીની સરહદો પણ છાવણીમાં તબદિલ કરવામાં આવી છે. દિલ્હી પોલીસ ખેડૂતોની કૂચને લઈને ઠેર-ઠેર ચાંપતો બંદોબસ્ત કર્યો છે. દિલ્હી કૂચની વચ્ચે કૃષિપ્રધાન અર્જુન મુંડાએ ખેડૂતોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.
सरकार चौथे दौर के बाद पांचवें दौर में सभी मुद्दे जैसे की MSP की माँग, crop diversification, पराली का विषय, FIR पर बातचीत के लिए तैयार है।मैं दोबारा किसान नेताओं को चर्चा के लिए आमंत्रित करता हूँ। हमें शांति बनाये रखना जरूरी है।@AHindinews@DDNewsHindi@DDKisanChannel
— Arjun Munda (@MundaArjun) February 21, 2024
કૃષિપ્રધાને X પર પોસ્ટ કરીને કહ્યું હતું સરકાર ચોથા તબક્કા પછી પાંચમા તબક્કામાં બધા મુદ્દાઓ (જેવા કે MSPની માગ, પાક વૈવિધ્યકરણ, પરાલીના વિષય અને ખેડૂતોની વિરુદ્ધ FIR વગેરે) પર વાતચીત માટે તૈયાર છે. હું ફરીથી ખેડૂત નેતાઓને ચર્ચા માટે આમંત્રિત કરું છું. આપણે શાંતિ જાળવી રાખવી જરૂરી છે.
શંભુ બોર્ડરે ખેડૂત નેતા વાતચીત કરી રહ્યા છે. એમાં આગામી વ્યૂહરચનાને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે. ખેડૂત નેતાઓએ વાતચીત સુધી આગળ નહીં વધવાનો નિર્ણય કર્યો છે. ખેડૂત નેતા બેઠક પછી દિલ્હી તરફ કૂચ કરે એવી શક્યતા છે. ખેડૂતો અને યુવાઓને હાલ આગળ વધવાથી મનાઈ ફરમાવવામાં આવી છે.