દાઉદનો ભત્રીજો પાકિસ્તાન ભાગ્યો

મુંબઈઃ અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભત્રીજા સોહેલ કાસકરને ભારત લાવવાના ભારતીય સત્તાવાળાઓના પ્રયાસોને નિષ્ફળતા મળી છે, કારણ કે સોહેલ દુબઈ થઈને પાકિસ્તાન ભાગી ગયો છે. કેફી દ્રવ્યોની હેરાફેરી સહિત આતંકવાદના કેસના સંબંધમાં સોહેલ કાસકરની અમેરિકામાં ધરપકડ કરાઈ હતી. મુંબઈ પોલીસ અમેરિકાના સત્તાવાળાઓના સંપર્કમાં જ હતી. કાસકરના અવાજવાળો એક ફોન કોલ હાલમાં જ ટ્રેસ કરવામાં આવ્યો હતો જેના પરથી સાબિત થયું છે કે એ પાકિસ્તાનમાં છે.

સોહેલના પ્રત્યાર્પણ માટે મુંબઈ પોલીસ અમેરિકી સત્તાવાળાઓના સંપર્કમાં હતી. પ્રત્યાર્પણ થાય તો, સોહેલ ડી-ગેંગની ગેરપ્રવૃત્તિઓ વિશે ઘણી માહિતી પૂરી પાડી શકે એમ છે. સોહેલ કાસકર સામે ભારતમાં કોઈ ચોક્કસ ગુના નોંધવામાં આવ્યા નથી, પરંતુ દાઉદ ઈબ્રાહિમનો પતો મેળવવા માટે મુંબઈ પોલીસ સોહેલને ઝપટમાં લેવા માગે છે.