કોવેક્સિનનો બુસ્ટર ડોઝ ઓમિક્રોન પર અસરકારકઃ ભારત બાયોટેક

હૈદરાબાદઃ ભારત બાયોટેકની કોવેક્સિનનો બુસ્ટર ડોઝ ઓમિક્રોન અને ડેલ્ટા- બંને વેરિયેન્ટ પર અસરકારક છે. એક લાઇવ વાઇરસ ન્યુટ્રલાઇઝેશન દ્વારા જોવા મળ્યું હતું કે રસીનો બુસ્ટર ડોઝ કોરોના વાઇરસના બંને વેરિયેન્ટ ઓમિક્રોન અને ડેલ્ટાની એન્ટિબોડી બનાવે છે. એક પરીક્ષણમાં માલૂમ પડ્યું હતું કે ડેલ્ટા વેરિયેન્ટને 100 ટકા ન્યુટ્રલાઇઝ કરે છે, જ્યારે ઓમિક્રોન પર એ 90 ટકા અસરકર્તા છે. અમેરિકાની એમોરી યુનિવર્સિટીનાં પરિણામોમાં માલૂમ પડ્યું હતું કે જેમણે કોવેક્સિનના બંને ડોઝ લીધા હતા અને એના છ મહિના પછી એનો બુસ્ટર ડોઝ લીધો હતો, એ વ્યક્તિ કોરોના સંક્રમિત થઈ તો એનામાં રહેલા ઓમિક્રોન અને ડેલ્ટા વેરિયેન્ટને ન્યુટ્રલાઇઝ કરી દીધો હતો. આ પહેલાંના અભ્યાસોમાં માલૂમ પડ્યું હતું કે કોરોનાના આલ્ફા, બીટા, ડેલ્ટા, જેટા અને કપ્પા વેરિયેન્ટની સામે રસીમાં ન્યુટ્રાલાઇઝ કરવાની ક્ષમતા હતી, એમ કંપનીએ જણાવ્યું હતું.

Bharat Biotech Covaxinઆ પ્રારંભિક વિશ્લેષણ ડેટાથી માલૂમ પડે છે કે કોવેક્સિનનો બુસ્ટર ડોઝ લેનારી વ્યક્તિઓમાં ઓમિક્રોન અને ડેલ્ટા- બંને પ્રકારો માટે એક મહત્ત્વની રોગ પ્રતિકારક શક્તિ પેદા થાય છે. આ અભ્યાસથી માલૂમ થાય છે કે બુસ્ટર ડોઝમાં રોગની ગંભીરતા અને હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતાને ઓછી કરવાની ક્ષમતા છે.

કંપનીની કોવેક્સિન સિનિયર સિટિઝનો અને બાળકોને એકસમાન ડોઝમાં આપી શકાય છે. એ એક રેડી-ટુ-યુઝ લિક્વિડ રસી છે. જેને બેથી આઠ ડિગ્રી સેલ્સિયસ પર સ્ટોર કરી શકાય છે. એની શેલ્ફ લાઇઝ 12 મહિનાની છે અને મલ્ટિ-ડોઝ વાયલ પોલિસી હોય છે. રસીના બે સમાન ડોઝ વયોવૃદ્ધ અને બાળકોમાં બે-ડોઝ પ્રાથમિક રસીકરણ અને બુસ્ટર ડોઝ માટે કરી શકાય છે.