ભારતમાં ‘સ્પુતનિક-વી’ રસી બનાવવા સીરમે પરવાનગી માગી

પુણેઃ બ્રિટનની ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની ‘કોવિશીલ્ડ’ અને અમેરિકાની નોવાવેક્સની ‘કોવોવેક્સ’ રસીઓનું ભારતમાં નિર્માણ કર્યા બાદ અત્રેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા કંપનીએ રશિયાની ‘સ્પુતનિક-વી’ કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસીનું પણ ભારતમાં નિર્માણ કરવા માટે કેન્દ્રીય ડ્રગ નિયામક સંસ્થા ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ) પાસે પરવાનગી માગી છે. તેણે આ માટેની અરજી નોંધાવી છે. હાલ ભારતમાં ‘સ્પુતનિક-વી’ રસીનું નિર્માણ હૈદરાબાદસ્થિત ડો. રેડિઝ લેબોરેટરીઝ કંપની કરી રહી છે.

સીરમ ઈન્સ્ટિટ્યૂટે ‘સ્પુતનિક-વી’ રસીના પરીક્ષણો માટે ડીસીજીઆઈની મંજૂરી માગી છે. ધારો કે એને આ માટેની મંજૂરી મળી જાય તો એ પછી એણે ‘સ્પુતનિક-વી’ રસીના ભારતમાં ઈમરજન્સી ઉપયોગ માટેનો અધિકાર પણ માગવો પડશે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ જૂનથી દર મહિને કોવિશીલ્ડ રસીના 10 કરોડ ડોઝ બનાવવા ધારે છે.