બોમ્બની ધમકી મળતાં મુંબઈ એરપોર્ટ પર સુરક્ષાતંત્ર સતર્ક

મુંબઈઃ ઈન્ડીગો એરલાઈનના એક વિમાનમાં બોમ્બ મૂકાયો હોવાની ચેતવણી આપતો એક ઈમેલ અહીંના મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓને સતર્ક કરી દેવામાં આવી છે. તપાસ હાથ ધરાયા બાદ તે ચેતવણી પોકળ હોવાનું માલુમ પડ્યું હતું. તે છતાં છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે સુરક્ષા બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.

મુંબઈ એરપોર્ટને શનિવારે રાતે ઈમેલ મળ્યો હતો, જેમાં જણાવાયું હતું કે ઈન્ડીગોની ફ્લાઈટ નંબર 6E 6045માં બોમ્બ મૂકવામાં આવ્યો છે. તે ફ્લાઈટ મુંબઈથી અમદાવાદ જવાની હતી. ઈમેલ મળ્યા બાદ વિમાનમાં ચકાસણી કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ વાંધાજનક ચીજ મળી આવી નહોતી. આને કારણે ફ્લાઈટ મોડી પડી હતી. સુરક્ષા એજન્સીઓ દ્વારા આ બાબતમાં તપાસ ચાલુ છે.