નવી દિલ્હીઃ કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખરિયાલ નિશંકે જણાવ્યું છે કે દેશમાં કોરોના વાઈરસના ફેલાવાને કારણે ગઈ 16 માર્ચથી બંધ કરી દેવાયેલી શાળાઓ અને કોલેજોને આ વર્ષના ઓગસ્ટ બાદ, મોટે ભાગે 15મી ઓગસ્ટ પછી ફરી ખોલવામાં આવશે.
પોખરિયાલે એક ઈન્ટરવ્યૂમાં આમ કહ્યું છે.
કેન્દ્રીય પ્રધાનની આ જાહેરાતને પગલે શાળાઓ ફરી ખુલવા વિશે રાહ જોઈ રહેલા આશરે 33 કરોડ જેટલા વિદ્યાર્થીઓના મનમાંનો સંદેહ દૂર થયો છે ને નિરાંત થઈ છે.
મે મહિનાના અંતભાગમાં અમુક અહેવાલો એવા હતા કે શાળા-કોલેજો જુલાઈમાં ફરી ખોલવામાં આવશે, પરંતુ 8મા ધોરણ સુધીના બાળકોને તો ઘેર જ રહેવું પડશે, માત્ર 30 ટકા હાજરી સાથે જ શાળાઓ ફરી શરૂ કરવામાં આવશે.
જોકે હવે પોખરિયાલની જાહેરાત થઈ ગઈ છે કે શાળા-કોલેજો જુલાઈમાં નહીં, પણ ઓગસ્ટ પછી ફરી ખોલવામાં આવશે.
ઈન્ટરવ્યૂ લેનારે પોખરિયાલને ફરી પૂછ્યું હતું કે શું શાળા-કોલેજો ઓગસ્ટ પછી ખૂલશે? ત્યારે પોખરિયાલે જવાબ આપ્યો હતો, ‘હાસ્તો વળી.’
દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદીયાએ શાળાઓ ફરી ખોલવા માટે એક પત્ર લખીને વિનંતી કરી હતી. એમણે આ જાણકારી ટ્વીટના માધ્યમથી કરી હતી. એમણે પત્રમાં લખ્યું હતું કે, હવે સમય આવી ગયો છે કે કોરોનાના સહઅસ્તિત્વનો સ્વીકાર કરીને આપણે શાળાઓની ભૂમિકા નવેસરથી નક્કી કરવી જોઈએ. શાળાઓને જો સાહસિક ભૂમિકા માટે તૈયાર કરવામાં નહીં આવે તો એ આપણી ઐતિહાસિક ભૂલ હશે. શાળાઓની ભૂમિકા પાઠ્યપુસ્તકો સુધી સીમિત રહેવી ન જોઈએ, પણ બાળકોને જવાબદાર જીવન જીવવા માટે તૈયાર કરવાની પણ રહેશે.