મહારાષ્ટ્રમાં સત્તા સંઘર્ષ કેસઃ ઉદ્ધવ ઠાકરેને રાહત આપવાનો સુપ્રીમ કોર્ટનો ઈનકાર

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં રાજકીય કટોકટી કેસમાં સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો છે અને તેણે રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને રાહત આપવાનો ઈનકાર કરી દીધો છે. તેણે આ માટે એવું અનુમાન વ્યક્ત કર્યું છે કે ઉદ્ધવ ઠાકરેએ વિધાનસભા ગૃહમાં બહુમતી સાબિત કરી નહોતી અને તેને બદલે મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું જે એમની ભૂલ હતી. કોર્ટે કહ્યું કે શિવસેનામાં ઉદ્ધવ ઠાકરેની નેતાગીરી સામે બળવો કરીને છૂટા થનાર એકનાથ શિંદેના જૂથના વ્હિપને નિયુક્ત કરવાનો વિધાનસભા સ્પીકરનો નિર્ણય ખોટો હતો.

દેશના ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડની આગેવાની હેઠળ પાંચ-જજની બેન્ચે કહ્યું કે, જો ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપ્યું ન હોત તો અમે પૂર્વસ્થિતિ લાગુ કરીને એમની સરકારને પુનઃસ્થાપિત કરી દેત.

કોર્ટે એમ પણ કહ્યું કે, ગયા વર્ષના જૂનમાં ઉદ્ધવ સામે બળવો પોકારનાર એકનાથ શિંદે તથા શિવસેનાના બીજા 15 વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવાનો નિર્ણય અમે રાજ્ય વિધાનસભાના સ્પીકર પર છોડીએ છીએ.