પેટ્રોલમાં ઈથેનોલ મેળવવાથી દેશને રૂ.50,000-કરોડની બચત થઈ

પાનીપત (હરિયાણા): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે તેમની સરકારે છેલ્લા સાતથી આઠ વર્ષમાં પેટ્રોલ સાથે ઈથેનોલ ભેળવીને દેશ માટે વિદેશી હુંડિયામણમાં રૂ. 50,000 કરોડની બચત કરી છે. આ રકમ વિદેશમાં જતા અટકાવી છે અને આ હજારો કરોડ રૂપિયા આપણા દેશના ખેડૂતોની સેવામાં ઉપયોગમાં લગાડી શકાયા છે.

અત્રે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના સેકન્ડ-જનરેશન ઈથેનોલ પ્લાન્ટના વીડિયોકોન્ફરન્સિંગ માધ્યમથી લોકાર્પણ પ્રસંગે વડા પ્રધાને કહ્યું કે રૂ. 900 કરોડની કિંમતનો ઈથેનોલ પ્લાન્ટ દેશના ખેતરોમાં પરાળી સળગાવવાની સમસ્યાનો કાયમી ઉકેલ પૂરો પાડશે. તે ઉપરાંત એ જ પરાળી ખેડૂતો માટે આવકનું એક સાધન પણ બની જશે. છેલ્લા આઠ વર્ષમાં ઈથેનોલનું ઉત્પાદન 40 કરોડ લીટરથી વધીને 400 કરોડ લીટર થયું છે.