છેલ્લાં પાંચ વર્ષમાં બેન્કોના રૂ. 10 લાખ કરોડ NPA: કરાડ

નવી દિલ્હીઃ છેલ્લાં પાંચ નાણાકીય વર્ષમાં કોમર્શિયલ બેન્કોએ આશરે રૂ. 10 લાખ કરોડની લોન (શંકાસ્પદ એકાઉન્ટ-NPA) માંડવાળ કરી છે, એમ રાજ્ય કક્ષાના નાણાપ્રધાન ભાગવત કે. કરાડે રાજ્યસભામાં એક સવાલના જવાબમાં જણાવ્યું હતું. નાણાકીય વર્ષ 2021-22માં બેન્કો દ્વારા માંડી વાળવામાં આવેલી રકમ (NPA) 2020-21ના રૂ. 2,02,781 કરોડની તુલનાએ રૂ. 1,57,096 કરોડ હતી એમ તેમણે કહ્યું હતું.

તેમણે રાજ્યસભામાં જણાવ્યું હતું કે વર્ષ 2019-20માં બેન્કો દ્વારા માંડી વાળવામાં આવેલી રકમ (NPA) વર્ષ 2018-19માં રૂ, 2,36,265 કરોડની તુલનાએ ઘટીને  રૂ. 2,34,170 કરોડ હતી, જે પાંચ વર્ષના સૌથી નીચલા ક્રમે હતી. બેન્કો દ્વારા વર્ષ 2017-18માં રૂ. 1,61,328 કરોડની રકમ (NPA) રાઇટઓફ કરવામાં આવી હતી. આમ છેલ્લાં પાંચ વર્ષમાં કોમર્શિયલ બેન્કો દ્વારા રૂ. 9,91640 કરોડની બેડ લોન માંડવાળ (શંકાસ્પદ ખાતામાં ટ્રાન્સફર) કરવામાં આવી હતી.

શિડ્યુલ્ડ કોમર્શિયલ બેન્ક (SCB) અને બધી ભારતીય નાણાકીય સંસ્થાઓ રિઝર્વ બેન્ક સેન્ટ્રલ રિપોઝિટરી ઇન્ફોર્મેશન ઓન લાર્જ ક્રેડિટ ડેટાબેઝ હેઠળ રૂ. પાંચ કરોડ અને એનાથી વધુની લોન લેનારા લોનધારકો વિશે માહિતી આપે છે.

દેશમાં જાણીબૂજીને ડિફોલ્ટ થનારા લોનધારકોની સંખ્યા વર્ષ 2020-21માં સૌથી વધુ હતી. એ વર્ષમાં 2840 લોકોએ લોન ચૂકવવામાં ડિફોલ્ટ થયા હતા. એ પછીના વર્ષ એ સંખ્યા 2700ની હતી. માર્ચ, 2019માં એવા ડિફોલ્ટરોની સંખ્યા 2207 હતા, જે વર્ષ 2019-20માં વધીને 2469 થઈ હતી. દેશમાંથી ફરાર થયેલા વેપારી મેહુલ ચોકસીની કંપની ગીતાંજલિ જેમ્સ  પાસે બેન્કોના 7110 કરોડનાં લેણાં છે.