રક્ષાબંધન-તહેવારઃ આ વખતે બે-દિવસ ઉજવણી કરી શકાશે

નવી દિલ્હીઃ ભાઈ-બહેન વચ્ચેનાં પવિત્ર અને સ્નેહભર્યાં સંબંધના પ્રતીક સમાન તહેવાર રક્ષાબંધનની આજે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આજના દિવસે બહેનો એમનાં ભાઈઓને હાથ પર રાખડી બાંધે છે અને એમનાં દીર્ઘાયુષ્યની પ્રાર્થના કરે છે. એના બદલામાં ભાઈઓ એમની બહેનોની રક્ષા કરવાનું વચન આપે છે. આ તહેવાર જીવનની નકારાત્મક્તાનો નાશ કરી સકારાત્મક્તાને ગ્રહણ કરવાનો, ફેલાવો કરવાનો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વીટ કરીને દેશવાસીઓને આ તહેવારની શુભેચ્છા આપી છે.

આ વખતે બે દિવસ રક્ષાબંધન ઉજવી શકાશે

આ વખતે આજે 11 ઓગસ્ટે રક્ષાબંધન તહેવાર ઘોષિત કરાયો છે, પરંતુ, હિન્દુ કેલેન્ડર અનુસાર, આ વખતે એને બે તિથિમાં – 11 ઓગસ્ટ અને 12 ઓગસ્ટે ઉજવી શકાશે. રક્ષાબંધન તહેવાર શ્રાવણ મહિનાના શુક્લ (સુદ) પક્ષની પૂનમ (નાળિયેરી પૂનમ)એ ઉજવાય છે. આ તિથિ 11 ઓગસ્ટના ગુરુવારે સવારે 10.38 વાગ્યાથી શરૂ થશે અને શુક્રવાર 12 ઓગસ્ટે સવારે 7.05 વાગ્યા સુધી રહેશે. આમ છતાં, પંચાંગ અનુસાર, આજે અશુભ એવો ભદ્રા યોગ છે. આ દુર્લભ યોગ 200 વર્ષ પછી ફરી આવ્યો છે. એને કારણે રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત આજે રાતે 8.51 વાગ્યા પછીનું રહેશે.

ભદ્રા કાળમાં રાખડી શા માટે ન બંધાય?

પુરાણો અનુસાર, ભદ્રા એ શનિદેવની બહેન છે અને સૂર્યદેવની પુત્રી છે. એનો સ્વભાવ એના ભાઈ શનિની માફક ઉગ્ર હોવાનું મનાય છે. ભદ્રાના સ્વભાવને સમજવા માટે બ્રહ્માજીએ પંચાંગમાં એને એક વિશેષ સ્થાન આપ્યું છે. ભદ્રા કાળ અશુભ યોગ તરીકે મનાય છે. એમાં પ્રવાસ શરૂ કરવાનું કે કોઈ શુભ કાર્ય કરવાનું વગેરે વર્જિત-પ્રતિકૂળ ગણાય છે. રક્ષાબંધન પવિત્ર દિવસ ગણાય છે તેથી રાખડી આ સમયગાળા દરમિયાન બાંધવી ન જોઈએ. એવું મનાય છે કે, સુર્પણખાએ ભદ્રા કાળ દરમિયાન એના ભાઈ રાવણને રાખડી બાંધી હતી અને તે પછી રાવણના મહેલનો નાશ થયો હતો. પંચાંગ અનુસાર, આજે શ્રાવણ સુદ પૂનમ છે, પરંતુ ભદ્રા કાળ આજે સવારથી શરૂ થયો છે અને આજે રાતે 8.51 વાગ્યા સુધી રહેશે. તેથી તે પછી અને આવતીકાલે સવાર સુધી રાખડી બાંધવાનું શુભ ગણાશે.