નવી દિલ્હીઃ સોશિયલ મિડિયા પર હાલના દિવસોમાં ટોલ વસૂલાત મુદ્દે જબરદસ્ત ચર્ચા શરૂ થઈ ગઈ છે. રાજ્સ્થાનના જયપુરમાં દિલ્હી-જયપુર હાઇવે એટલે કે NH-8 પર મનોહરપુર ટોલ પ્લાઝા છે. આ હાઇવે બનાવવાનો પડતર ખર્ચ રૂ. 1896 કરોડ હતો અને હવે એના પર બનાવવામાં આવેલા ટોલ પ્લાઝા થકી રૂ. 8349 કરોડની વસૂલાત થઈ ચૂકી છે. રસપ્રદ વાત એ છે કે એ પછી પણ ટોલ બંધ નથી થઈ રહ્યો.
આ નેશનલ હાઇવે પર મનોહરપુર સિવાય બે ટોલ પ્લાઝા શાહજહાંપુર અને દૌલતપુર પણ છે. RTI દ્વારા આ ત્રણે ટોલ પ્લાઝાની માહિતી માગવામાં આવી હતી, જેમાં જવાબ મળ્યો હતો કે NH-8ના હાઇવેના નિર્માણનો ખર્ચ રૂ. 1896 કરોડ થયો હતો. જ્યારે એ ટોલ પ્લાઝા પર રૂ. 3-4-2009થી ટોલ વસૂલવામાં આવી રહ્યો છે. જ્યારે વર્ષ 2023 સુધી એ ટોલથી રૂ. 8349 કરોડ વસૂલવામાં આવી ચૂક્યા છે. આટલી રકમથી ગુરુગ્રામથી જયપુરને જોડતા ચાર હાઇવેનું કામ થઈ શકે છે. આ ટોલ પ્લાઝા હજી સુધી બંધ પણ નથી થયો.
આ માહિતી સામે આવતાં સોશિયલ મિડિયા પર ચર્ચા શરૂ થઈ છે. લોકો સવાલ કરી રહ્યા છે કે જ્યારે ગાડી લેતા સમયે રોડ ટેક્સ ભરી દેવામાં આવે છે, તો દર 50 કિલોમીટરે ટોલ ટેક્સ કેમ લેવામાં આવે છે? એક અન્ય યુઝરે કહ્યું હતું કે જો આવા તમામ મોટા હાઇવેની RTIથી તપાસ કરવામાં આવે ચો ચાર ગણા પ્રોફિટના ડેટા સામે આવશે.