જમ્મુ-કાશ્મીરઃ અમરનાથની યાત્રા 21 જુલાઈથી શરૂ થવાની છે, ત્યારે જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રા પર હુમલો કરવાની યોજના ઘડી રહેલા આતંકવાદીઓ વિશે સુરક્ષા દળોને ઇનપુટ્સ મળ્યા છે, એમ આર્મીના એક અધિકારીએ જણાવ્યું હતું. જેથી સેના અને સુરક્ષા દળો હાઈ એલર્ટ પર છે. જોકે આ વાર્ષિક યાત્રા નિર્વિઘ્ને ચાલુ રહે એ માટે સેનાએ સિસ્ટમ્સ અને શસ્ત્રસરંજામ ગોઠવાયેલાં છે અને કડક જાપ્તો રાખ્યો છે.
હાઇવે-44 પર હુમલાની શક્યતા
પ્રાપ્ત માહિતી અનુસાર એવા સંકેતો છે કે આ આતંકવાદીઓ અમરનાથ યાત્રાને લક્ષ્યાંક કરવા માટે હાઇવે-44 પર હુમલો કરે એવી શક્યતા છે, પણ એને સેના ખાળવા માટેના પૂરતા પ્રયાસો કરશે. વળી, અમારી પાસેનાં સિસ્ટમ્સ અને સંસાધનો છે, જેથી અમે તેમના પ્રયત્નોને સફળ નહીં થવા દઈએ, એમ દક્ષિણ કાશ્મીરના બીજા સેક્ટરના બ્રિગ્રેડિયર વિવેક સિંહ ઠાકુરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. 21 જુલાઈથી શરૂ થવાના ચાર દિવસ પહેલાં સેના દ્વારા જૈશ-એ મોહમ્મદના કમાન્ડર સહિત ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
ગુફા સુધી જવા માટે બાલતાલનો એકમાત્ર રસ્તો ખુલ્લો
તેમણે કહ્યું હતું કે અમે અમરનાથ યાત્રાને કોઈ પણ અવરોધ વિના શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય, એ માટે પ્રતિબદ્ધ છીએ અને યાત્રા માર્ગ પરની સુરક્ષા વ્યવસ્થાને નિયંત્રણમાં રાખીશું. તેમણે કહ્યું હતું કે અમરનાથ યાત્રીઓ દ્વારા જે નેશનલ હાઇવે 44નો ઉપયોગ કરવામાં આવે છે, એ થોડો સંવેદનશીલ માર્ગ છે. યાત્રીઓ સોનમર્ગ (ગેન્ડરબલ)ના માર્ગે જઈ શકશે અને અમરનાથ ગુફા સુધી જવા માટે બાલતાલનો એકમાત્ર રસ્તો ખુલ્લો છે.
કાશ્મીરમાં આતંકનો કોડ 130
અમરનાથ યાત્રા 21 જુલાઈથી શરૂ થઈ રહી છે અને આ યાત્રા ત્રીજી ઓગસ્ટે સંપન્ન થશે. હાલ આ સમયે દક્ષિણ કાશ્મીરમાં 100 આતંકવાદી સક્રિય છે. 30 પાકિસ્તાની આતંકવાદી હુમલાની ફિરાકમાં છે. 2019માં પણ આતંકવાદીઓએ અમરનાથ યાત્રા પર હુમલાનું ષડયંત્ર રચ્યું હતું.
દરરોજ 500 યાત્રીઓ જ પવિત્ર ગુફાનાં દર્શન કરી શકશે
કોરોના કાળને લીધે દૈનિક ધોરણે 500 તીર્થયાત્રીઓ જ અમરનાથબાબાની પવિત્ર ગુફામાં દર્શનની મંજૂરી આપવામાં આવી છે. વળી 55 વર્ષથી ઓછી વયના લોકો જ યાત્રા કરી શકશે. યાત્રા દરમ્યાન કોરોનાને જોડાયેલી જરૂરી ગાઇડલાઇન્સનું પણ પાલન કરવાનું રહેશે.