રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર ઉથલાવવાનો કેન્દ્રીય પ્રધાન પર સુરજેવાલાનો આરોપ

નવી દિલ્હી: રાજસ્થાન કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે. શુક્રવારે રાજસ્થાન સરકારના મુખ્ય દંડક મહેશ જોશીની ફરિયાદના આધારે રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપ (SOG)એ એફઆઈઆર દાખલ કરી છે, જેમાં એક વાઇરલ ઓડિયોનો પણ ઉલ્લેખ છે.

જયપુર SOGના આઈ.જી. અશોક કુમાર રાઠોડે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું, ત્રણ શખ્સો વિરુદ્ધ આઈપીસી  કલમ 124-A તથા 120-A હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જે ઓડિયો ટેપના આધારે આ ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે, એફઆઈઆરમાં કોઈ વ્યક્તિનું નામ નોંધવામાં નથી આવ્યું. એફઆઈઆર વિવરણમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ ‘એ’ વ્યક્તિ અને ‘બી’ વ્યક્તિ તરીકે કરવામાં આવ્યો છે.

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ મીડિયા મારફત સામે આવેલી કેટલીક ઓડિયો ટેપનો હવાલો આપતા મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત ઉપર આરોપ મૂક્યા હતા. સુરજેવાલાએ કહ્યું કે, શેખાવત બળવાખોર ધારાસભ્યોની મદદથી રાજસ્થાનની કૉંગ્રેસ સરકારને ઉથલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

 

આજે સવારે રણદીપ સુરજેવાલાએ પ્રેસ કૉન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે, મીડિયા મારફતે કેટલીક ઓડિયો ટેપ સામે આવી છે જેમાં કથિત રીતે કોંગ્રેસના બળવાખોર નેતા ભાજપના એક વરિષ્ઠ નેતા સાથે વાત કરી રહ્યા છે. આનાથી સ્પષ્ટ થાય છે કે પૈસાની લેવડદેવડ થઈ રહી છે. જોકે સુરજેવાલાએ કહ્યું, ઓડિયો ટેપની સત્યતા અને તે ક્યારની છે તે વિશે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તપાસ કરશે.

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે રણદીપ સુરજેવાલાના આરોપોનો જવાબ આપતા કહ્યું કે, હું કોઈપણ પ્રકારની તપાસનો સામનો કરવા તૈયાર છું. ઓડિયો ટેપમાં મારો અવાજ નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]