હિજાબ મામલે સ્ટે આપવાની સુપ્રીમ કોર્ટને અપીલ

નવી દિલ્હીઃ મહિલાઓ અને નાગરિક અધિકારોના રક્ષણ માટે લડત ચલાવતા જૂથોએ સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે કે મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂકતા કર્ણાટક હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટ મનાઈ હૂકમ આપે. આ જૂથોએ એમ કહ્યું છે કે હાઈકોર્ટના આદેશને કારણે મુસ્લિમ છોકરીઓની સલામતી, સમ્માન અને શિક્ષણ પર ખૂબ નકારાત્મક અસર પાડશે. આ જૂથોએ કર્ણાટકમાંની કોલેજ વિકાસ સમિતિઓને પણ કહ્યું છે કે જેમ શીખ છોકરાઓ અને પુરુષોને પાઘડી પહેરી શકે છે અને હિન્દુઓ દોરા-ધાગા બાંધી શકે છે, કપાળ પર તિલક લગાવી શકે છે અને સિંદૂર લગાવી શકે છે તેવી રીતે મુસ્લિમ છોકરીઓ અને મહિલાઓને યૂનિફોર્મની સાથે હિજાબ પહેરવાની પણ તેઓ પરવાનગી આપે.

આ જૂથ છેઃ ઓલ ઈન્ડિયા પ્રોગ્રેસિવ વીમેન્સ એસોસિએશન, સહેલી વીમેન્સ રિસોર્સ સેન્ટર, નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન વીમેન, બેબાક કલેક્ટિવ. આ ઉપરાંત કનીઝ ફાતિમા અને સ્મિતા શર્મા જેવી મહિલા અધિકાર ચળવળકારોએ પણ સ્ટે ઓર્ડર આપવાની સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે કર્ણાટક હાઈકોર્ટે ગઈ તેના ઓર્ડરમાં એમ જણાવીને રાજ્ય સરકારે શાળા-કોલેજોમાં માથા પર સ્કાર્ફ વીંટાળવા (હિજાબ પહેરવા) પર મુકેલા પ્રતિબંધને માન્ય ઠેરવ્યો હતો કે હિજાબ એ ઈસ્લામ ધર્મમાં કોઈ આવશ્યક ધાર્મિક પ્રથાનો હિસ્સો નથી. હાઈકોર્ટે આ ઓર્ડર આપીને મુસ્લિમ છોકરીઓએ સરકારના પ્રતિબંધને પડકારતી પીટિશનોને નકારી કાઢી હતી. તે મુસ્લિમ છોકરીઓએ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.