કરીના પણ OTT પ્લેટફોર્મ પર એન્ટ્રી કરશે

મુંબઈઃ સહકલાકાર સૈફ અલી ખાનને પરણીને બે પુત્રની માતા બની ચૂકેલી કરીના કપૂર-ખાન હિન્દી ફિલ્મોથી છેલ્લા ઘણા વખતથી દૂર રહી છે, પણ એ ટૂંક સમયમાં જ OTT પ્લેટફોર્મ પર પદાર્પણ કરવાની છે. તે અમેરિકાની લવાજમ પર સ્ટ્રીમિંગ સેવા પૂરી પાડતી અને OTT (ઈન્ટરનેટ નેટવર્ક) ફિલ્મ તથા ટીવી શો નિર્માણ કંપની નેટફ્લિક્સ દ્વારા નિર્મિત એક ફિલ્મમાં કામ કરશે. ફિલ્મના દિગ્દર્શક સુજોય ઘોષ હશે. આ જાહેરાત નેટફ્લિક્સ ઈન્ડિયાનાં ડાયરેક્ટર (ફિલ્મ્સ અને લાઈસન્સિંગ) પ્રતિક્ષા રાવ દ્વારા કરવામાં આવી છે. કરીનાનો પતિ સૈફ અલી ખાન ઘણા વખતથી OTT પ્લેટફોર્મ પર ફિલ્મો અને વેબસીરિઝ દ્વારા સક્રિય છે.

ફિલ્મનું શીર્ષક હજી નક્કી કરાયું નથી, પરંતુ તે જાપાનમાં 2005માં બેસ્ટસેલર થયેલા એક નવલકથા પુસ્તક પર આધારિત રહસ્યમય હત્યાની વાર્તાવાળી ફિલ્મ હશે. તેમાં જયદીપ અહલાવત અને વિજય વર્મા જેવા અન્ય કલાકારો પણ હશે. સુજોય ઘોષ થ્રિલર ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. તેઓ વિદ્યા બાલન અભિનીત ‘કહાની’, તાપસી પન્નૂ અભિનીત ‘બદલા’ જેવી ફીચર ફિલ્મો બનાવી ચૂક્યા છે. કરીના છેલ્લે 2020માં ‘અંગ્રેજી મીડિયમ’ ફિલ્મમાં મોટા પડદા પર જોવા મળી હતી. એણે આગામી નેટફ્લિક્સ ફિલ્મમાં કામ કરવાની પોતાને મળેલી તક બદલ ખુશી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે તેને ફિલ્મની વાર્તા ગમી છે. એણે સુજોય ઘોષને દૂરદર્શી દિગ્દર્શક તરીકે ઓળખાવ્યા છે.